સોખડા સ્વામિનારાયણ વિવાદ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. હરિપ્રસાદ સ્વામીના બહ્મલીન થયા બાદ છેલ્લા ઘણા સમયથી સંતોના બે જૂથ વચ્ચે ગાદી અને મંદિરના વહીવટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં એક તરફ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીના ગુરૂભાઈ પ્રેમસ્વરૂપ સ્વામી છે તો બીજી તરફ હરિપ્રસાદ સ્વામીના શિષ્ય પ્રબોધ સ્વામી છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી. બંને પક્ષની લડાય માત્ર ભારતમાં જ નહિં પરંતું બંને પક્ષોની લડાય વિદેશમાં પણ ચાલી રહી હતી. પાછલા ઘણા સમયથી ન્યૂઝીલેન્ડમાં સોખડા વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદ ન્યૂઝીલેન્ડની કોર્ટમા ચાલી રહેલા લડાઈના અંતે ચુકાદો પ્રબોધ પરિવારના તરફે આવ્યો છે.
વિદેશમાં પહોંચ્યો સોખડા વિવાદ
ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટમાં યોગી ડિવાઇન સોસાયટી ન્યૂઝીલેન્ડના સંચાલન, વહીવટ તેમજ ત્યાના સત્સંગ કેન્દ્ર માટે ડિસેમ્બર 2021માં એક પિટિશન ન્યૂઝીલેન્ડની હાઇકોર્ટમાં દાખલ થઇ હતી. ત્યારબાદ આ કાનૂની લડત ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. લગભગ સવા બે વર્ષ સુધી ચાલેલા આ કેસમાં અંતે પ્રબોધમ જૂથના સત્સંગીઓનો વિજય થયો છે. બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા પછી દલીલો અને પુરાવાઓના મૂલ્યાંકનના અંતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. ન્યુઝીલેન્ડ યોગી ડિવાઇન સોસાયટી ટ્રસ્ટની તમામ સંસ્થાકીય અને વહીવટી જવાબદારી હરિપ્રભોધમ પરિવાર ન્યુઝીલેન્ડ સંભાળશે.
શું હતો મામલો?
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હરિપ્રસાદ સ્વામી પહેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હતાં. તેમણે વર્ષ 1971માં સોખડા ખાતે પ્રથમ 5 સંતોને દીક્ષા આપીને સંપ્રદાયની શરૂઆત કરી હતી. જો કે, જુલાઈ 2021માં હરિપ્રસાદસ્વામીના નિધન બાદ તેમના વારસદારની નિમણૂક માટે 2 સંતો (પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી) ના સમર્થકોએ પોતપોતાના ગુરૂને દાવેદાર તરીકે રજૂ કરતાં વિવાદ થયો હતો. આ વિવાદ એટલી હદે વકર્યો છે કે હવે 150 મોટા સંતોમાં પણ ભાગલા પડી ગયા છે અને મુખ્ય ગુરૂની ગાદી માટે પ્રબોધસ્વામી અને પ્રેમસ્વામીના ભક્તો 2 જૂથમાં વહેંચાઈ ગયા છે.