સુરતઃ શહેરની સચિન GIDCમાં ટેન્કરમાંથી ઝેરી કેમિકલનું ગળતર થતાં છ મજૂરોના મોત થયા છે અને સાત કામદારો વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. આ ઉપરાંત 20થી વધુ મજૂરો સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ કેમિકલ ટેન્કરની પાઇપમાંથી લીક થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. તમામ અસરગ્રસ્તોની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
સચિન GIDCમાં કેમિકલ લિકેજની દુર્ઘટના મામલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. આ સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરી કહ્યું હતું કે તેઓ આ ઘટનાને લઇને સતત તંત્ર સાથે સંપર્કમાં છે.
સુરત ખાતે ગેસ લીક થવાથી ઘણા લોકોના દુર્ભાગ્યપૂર્ણ નિધન થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ ઘટનામાં જે લોકો બીમાર પડ્યા છે તેમના સ્વાસ્થ્યની કામના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 6, 2022
સચિન વિસ્તારમાં રોજના મોટી સંખ્યામાં ટેન્કર કેમિકલ ભરીને ઠલવાય છે.આ ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ સહિતથી ઠાલવવા માટે અહીં લાવવામાં આવે છે, જેમાં આજે આવેલું ટેન્કર દહેજથી આવ્યું હોવાનું સામે આવ્યું છે.અહીં રોજનાં હજારો ટેન્કર આવતાં હોવાથી પોલીસની પણ ક્ષમતા એટલી ન હોવાનું ખુદ પોલીસ કમિશનરે સ્વીકાર્યું હતું. અહીંના કલેક્ટરે પણ આ વિસ્તાર ખૂબ મોટો હોવાનું કહીને હાથ ઊંચા કર્યા છે.
સચિન જીઆઇડીસી વિસ્તારમાં ગંદા અને ઝેરી કેમિકલ ઠાલવવાની ઘટના ઘણા સમયથી ચાલી રહી છે. એમ છતાં પોલીસ સહિતના તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે સચિન GIDC પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી છે.