વાઇબ્રન્ટ સમીટ, ફ્લાવર શો અને પતંગોત્સવને કોરોનાનું ગ્રહણ

ગાંધીનગરઃ દેશમાં અને રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસોમાં અચાનક થયેલા વધારાને લીધે પટેલ સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમીટ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ટ્રેડ-શો, કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યા છે. જોકે આગામી થોડા સમય પછી જો પરિસ્થિતિમાં સુધારો થશે તો સરકાર વાઇબ્રન્ટ સમિટ યોજવા માટે નિર્ણય લેવામાં આવશે.

રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાતની સાથે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8-14 જાન્યુઆરી સુધી યોજાનારા ફલાવર શો અને પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારી કરી રહેલા મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરે સહિત પાંચ IAS અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેથી પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

ગાંધીનગરમાં 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની દસમી ગ્લોબલ વાઇબ્રન્ટ સમીટનો પ્રારંભ થવાનો હતો. આ ગ્લોબલ સમિટમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય દેશોના વડા પ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા. આ ઉપરાંત સમીટમા દેશના ટોચના ઉદ્યોગપતિઓ તેમ જ બિઝનેસમેન પણ હાજર રહેવાના હતા. 

આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26 દેશ પાર્ટનર દેશ તરીકે જોડાયા હતા. છેલ્લા બે દાયકાથી આ સમીટ યોજાતી આવી છે. આ વખતે અગ્રણી દેશો- જર્મની, ફ્રાંસ, ઇટાલી, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા ઇઝરાયલ, સિંગાપોર,સ્વીડન, સાઉથ કોરિયા, ડેન્માર્ક અને ફિનલેન્ડ સહિત અન્ય દેશો સમીટમાં ભાગ લેવાના હતા.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 56.5 ટકાના ઉછાળાની સાથે કોરોનાના 90,928 નવા કેસ નોંધાયા છે. અને 325 લોકોનાં મોત થયાં છે, જ્યારે ઓમિક્રોનના 2600થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા હતા. શહેરમાં કુલ 108 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન બનાવવામાં છે. આ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં 143 જેટલાં મકાનો છે.