PM મોદીની સુરક્ષામાં ચૂકને મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હીઃ પંજાબમાં વડા પ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ગુરુવારે આ સંબંધે એક અરજી કરીને ટોચની કોર્ટથી વડા પ્રધાનની સુરક્ષામાં થયેલી ચૂકની ઝીણવટભરી તપાસ કરવાની માગ કરવામાં આવી છે. શુક્રવારે આ મામલે સુનાવણી થશે. મુખ્ય જસ્ટિસ એન. વી. રમન્નાએ અરજીકર્તાને કહ્યું હતું કે તે કેન્દ્ર અને પંજાબ સરકારને અરજીની કોપી સોંપે. બીજી બાજુ વડા પ્રધાન મોદી આજે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા હતા. રાષ્ટ્રપતિએ પણ વડા પ્રધાનની ચૂક મામલે ચિંતા વ્યક્ત કરી હતી.

વડા પ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે પંજાબ સરકારે ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરી હતી. આ તપાસ ટીમ ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપશે. લોયર્સ વોઇસ સંગઠન દ્વારા રજૂ થયેલા વકીલ મનિન્દર સિંહે વડા પ્રધાનની સુરક્ષામાં થયેલી ચૂકનો મામલો મુખ્ય ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ ઉઠાવ્યો હતો. સિંહે કહ્યું હતું કે એની ખાતરી કરવામાં આવે કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ફરીથી ના થાય. અરજીમાં પંજાબના ભટિંડામાં વડા પ્રધાનના કાફલાને અટકાવવામાં સુરક્ષા ઉલ્લંઘનની ઊંડી તપાસ કરવાની માગ કરવામાં આવી હતી. વળી, ભટિંડા જિલ્લા જજને પોલીસ બંદોબસ્તમાં સંબંધિત પુરાવાઓને પોતાના કબજામાં લેવાના નિર્દેશની માગ કરવામાં આવી હતી.

આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પ્રોટોકોલ અનુસાર મુખ્ય સચિવ અને DGP અથવા નામાંકિત અધિકારીઓ માટેની કાર ફાળવવામાં આવે છે અને તેમણે વડા પ્રધાનના કાફલામાં સામેલ થવું જોઈએ. આ સાથે દોષી અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.