અમદાવાદઃ દેશમાં અને રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યમાં પણ 13,000થી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. આ રસી લેનારા લોકોમાંથી અમદાવાદમાં 1100થી વધુ લોકોને આડઅસર જોવા મળી છે. તેમનાં ગંભીર લક્ષણોમાં વ્યક્તિને ઊલટી, અશક્તિ અને હાથ પર દુઃખાવો જેવી ફરિયાદો આવી છે. આ ઉપરાંત માથાનો દુઃખાવાની વધુ ફરિયાદ જોવા મળી છે.
વડોદરામાં પણ રસી લીધા બાદ પાંચ મહિલા સહિત 10 લોકોને તાવ-ચક્કર આવતા હોવાના અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના વડા ડો. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે કેટલાક લોકોને રસી લીધા બાદ આડઅસરની ફરિયાદો મળી છે.આમાં બે-ચાર લોકોને ગંભીર લક્ષણો જોવા મળ્યાં હતા. જોકે અમદાવાદમાં રસી લેનાર ડોકટર પરિવારમાંથી એવા અને સોલા હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર પેથોલોજીમાં ફરજ બજાવતાં ડો. નિરાલી શાહે જણાવ્યું હતું કે બે દિવસમાં કોઈ ખાસ આડઅસર તેમને જોવા મળી નથી.
રાજ્યમાં રસીકરણના પ્રથમ દિવસે 13,274 કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં કોઈને પણ મોટી આડઅસર જોવા મળી નથી. 16 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યનાં 161 રસીકરણ કેન્દ્રો પર રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ રસીકરણની શરૂઆત સિનિયર ડોક્ટરોથી કરવામાં આવી હતી, જે પછી અન્ય ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ટેક્નિશિયન, વોર્ડ બોય, આયા અને સફાઇ કામદારો સુધીના તમામ કર્મચારીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. શનિવારે અમદાવાદમાં કુલ 20 સેન્ટરો પર 2000 રસી આપવાની વ્યવસ્થા સામે માત્ર 1115 આરોગ્ય કર્મચારીઓએ રસી લીધી હતી.