બનાસકાંઠાના ડીસા શહેરમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભયંકર આગને કારણે 21 શ્રમિકોનો જીવ ગયો છે. આ ઘટના બાદ ગુજરાત સરકારે તાત્કાલિક પગલાં લેતાં 18 મૃતકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દીધા છે. જોકે, આ દુર્ઘટના અંગે હવે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. શરૂઆતમાં આ સ્થળને ફટાકડાનું ગોડાઉન ગણાવવામાં આવ્યું હતું, પરંતુ હવે મૃતકોના પરિવારજનોએ આ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે મધ્ય પ્રદેશથી શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા માટે ખાસ ગુજરાત લાવવામાં આવ્યા હતા.
સૂત્રોની જાણકારી પ્રમાણે, રાજ્ય સરકારે પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને મધ્ય પ્રદેશના સિંઘલપુરના 18 શ્રમિકોના મૃતદેહો તેમના વતન મોકલી દીધા છે. પરિવારજનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ સ્થળ માત્ર ગોડાઉન નહીં, પરંતુ ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી. તેમનો આરોપ છે કે ગોડાઉનના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને મધ્ય પ્રદેશથી આ શ્રમિકોને સુતળી બોમ્બના ઉત્પાદન માટે અહીં લવાયા હતા. આ ઘટનાને લઈને વધુ એક મહત્વનો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, ઘટના પાછળનો માસ્ટર માઈડ અમદાવાદના નારોલનો રહેવાસી છે. અગ્રવાલ નામનો એક વ્યક્તિ આ ફેક્ટરીમાં ફટાકડા બનાવવા માટે એલ્યુમિનિયમ પાઉડર સપ્લાય કરતો હતો. આ ફેક્ટરીમાં કોઈ સરકારી પરવાનગી વિના દિવસદહાડે ફટાકડાનું ઉત્પાદન થતું હતું. 21 લોકોના જીવ ગયા બાદ પણ સરકારની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે.
આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા-પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની LCB દ્વારા ધરપકડ કરી સા-અપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.ડીસામાં કેટલાય વર્ષોથી ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા ખૂબચંદે થોડા વર્ષો પૂર્વે ઢૂવા રોડ પર જગ્યા લીધી અને ત્યાં જ પત્નીના નામનું રજીસ્ટ્રેશન મેળવીને ફર્મ ઉભી કરી હતી. અને તમામ બેંકિંગ વ્યવહારો પણ પત્નીના નામે કર્યા. ખૂબચંદે પોતાના ફટાકડાના વ્યવસાયનો દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી વિસ્તાર વધાર્યો હતો.
