શેપીંગ અ ન્યૂ ઈન્ડિયા’ થીમ પર યોજાઈ રહેલી સમિટ 2019, આ હશે ખાસ આકર્ષણો

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની નવમી શૃંખલા સંદર્ભે વિશેષ માહિતી આપતાં રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે જણાવ્યું હતું કે ‘શેપીંગ અ ન્યુ ઇન્ડિયા’ થીમ પર યોજાઈ રહેલી આ સમિટ વડાપ્રધાન મોદીના ‘નયા ભારત’ના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે.

આ સમિટમાં વેપાર અને નિકાસને મજબૂત બનાવવા, સેવા ક્ષેત્રનો વિકાસ તથા યુવાનોની સહભાગિતા અને સશક્તિકરકણ તેમજ નયા ભારતના નિર્માણમાં અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કરવા જેવી બાબતોને અગ્રતા આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વ ડિજીટલ યુગમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ગુજરાતને એડવાન્સ ટેકનોલોજી ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટેની એક મહત્વની તક બની રહેશે.

વિશ્વભરમાં ગુજરાતની આગવી ઓળખ બની રહેલી ગુજરાત સરકારની ફ્લેગશીપ ઈવેન્ટ એવી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની નવમી શૃંખલાની  તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગાઉ વર્ષ 2017 માં યોજાયેલી વાયબ્રન્ટ સમિટને વૈશ્વિક સ્તરે ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો ત્યારે આ વર્ષે યોજાનાર સમિટ સહુ કોઈની નજર મંડાયેલી છે કે, સમિટમાં કયા દેશોના પ્રતિનિધિઓ, ઉધોગ સાહસિકો અને દેશના વડાઓ સહભાગી બનશે.

વાયબ્રન્ટ સમિટની આ આવૃત્તિમાં કેટલીક નવી ઈવેન્ટ્સ ઉમેરવામાં આવી છે જેના લીધે આ સમિટ અગાઉની સમિટ કરતા વિશિષ્ટ બની રહેશે.

– સમિટમાં યોજાશે ધ્યાનાકર્ષક નવીનતમ ઈવેન્ટ્સ

 •  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગ્લોબલ વેલ્થ ફંડ સાથે રાઉન્ડ ટેબલ બેઠક
 • ગુજરાત સ્પ્રિન્ટ – 2022 ગુજરાતનું ભાવિ વિકાસદર્શન
 • વાયબ્રન્ટ ગુજરાત – આફ્રિકા ડે
 • મેગા ટ્રેડ શો અને બાયર-સેલર મિટ
 •  મેઈક ઇન ઇન્ડિયાની સાફલ્યગાથા વર્ણવતું પ્રદર્શન
 •  20 કન્ટ્રી સેમિનાર અને 7 સ્ટેટ સેમિનાર
 •  દુબઈ શોપિંગ ફેસ્ટિવલની જેમ જ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન
 •  સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન અને નાસાના સહયોગથી સ્પેસ                     એકસપ્લોરેશન’ વિષયક પ્રદર્શન
 • સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેથેમેટિક્સ વિષય પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
 • ગુજરાતના 4 શહેરોમાં વાયબ્રન્ટ ગુજરાત યુથ કનેક્ટ ઈવેન્ટ્સ

 • વિશ્વના મહાનુભાવો સહભાગી બનશેઃ

ડેનમાર્ક, ચેક રિપબ્લિક, ઉઝબેકિસ્તાન, માલ્ટા અને રંવાડા સહિતના 5 દેશોના વડાઓ વૈશ્વિક સમિટમાં ભાગ લેશે તેમજ 18 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન સાથે ડીનર પણ યોજવામાં આવશે. સમિટની નવમી આવૃત્તિમાં 15 દેશો ભાગીદાર દેશ તરીકે સહભાગી બનશે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, જાપાન, મોરક્કો, નોર્વે, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, રીપલ્બિક ઑફ કોરિયા, થાઈલેન્ડ, નેધરલેન્ડ્સ, યુએઈ અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 11 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ સહભાગી બનશે જેમાં ધી ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, કેનેડા ઈન્ડિયા ફેડરેશન, કોમનવેલ્થ એન્ટરપ્રાઈઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ, ઈન્ડો-ચાઈના ચેમ્બર ઑફ કોમર્સ, ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, કોરિયા ટ્રેડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી, ધી નેધરલેન્ડ્સ ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ, યુએઈ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને યુ.એસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ જેવી  સંસ્થાઓ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગીદાર બનશે.

 •  વિવિધ દેશોના સેમિનાર

ભારતના રાજ્યો ઉપરાંત અન્ય કન્ટ્રી સેમિનાર યોજાશે જેમાં ૨૨ દેશોનું પ્રતિનિધિત્વ હશે. સમિટમાં યોજાનારા કન્ટ્રી સેમિનારોમાં જર્મની, કેનેડા, જાપાન, ડેનમાર્ક, નેધરલેન્ડ, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનું પ્રતિનિધિત્વ હશે તેઓ તેમના સામર્થ્ય અને રસના ક્ષેત્રો રજૂ કરશે. આ સમિટમાં વિવિધ દેશોના સેમિનારમાં ભારતીય પ્રતિનિધિઓને વિદેશી સહયોગીઓ સાથે સંવાદ કરવા માટેની શ્રેષ્ઠ તક સાંપડશે, સાથેસાથે વિચારોનું આદાન-પ્રદાન પણ થશે. ઉપરાંત ઔદ્યોગિક વિકાસ, વેપાર અને ટેકનોલોજીની આપ-લેની ઉત્તમ તકો રજૂ કરાશે. જાપાનીઝ, જર્મન, અમેરિકન સહિત અન્ય યુરોપિયન કંપનીઓએ ભારતીય કંપનીઓ સાથે મેન્યુફેકચરિંગ ટેક્નોલોજી ક્ષેત્રમાં સાથે મળીને કાર્ય કરવામાં વિશેષ રસ દાખવ્યો છે.

– વડાપ્રધાન ગ્લોબલ વેલ્થ ફંડ્સ માટે રાઉન્ડ ટેબલ બેઠક યોજશે

નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019માં દેશમાં સૌ પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોવરિન વેલ્થ ફંડ્સના વડાઓ, પેન્શન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારો સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી વિચાર-વિમર્શ કરશે. આ સત્રનો ઉદ્દેશ દેશ અને રાજ્યની આંતરમાળખાકીય જરૂરિયાતો માટે ભંડોળ એકત્ર કરવાનો છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત ભારતમાં સૌ પ્રથમ વખત રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે. જેમાં ભારતના  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સહિત વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ વૈશ્વિક ભંડોળના વડાઓ સાથે ભારત અને ગુજરાતમાં આ ક્ષેત્રે રહેલી વિવિધ તકો ઉપર વિગતવાર ચર્ચા-વિચારણા કરશે.

 •  ગુજરાત – સ્પ્રિન્ટ  2022

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં આ વખતે નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2019 અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ કેન્દ્ર બનવા ગુજરાતે જે દોટ મુકી છે તેનો રોડ મેપ ‘ગુજરાત સ્પ્રિન્ટ ટુ 2022’ અંતર્ગત સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ થશે. આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ મુખ્યપ્રધાને જે સપનું સેવ્યું છે એવા ગુજરાતના ભવિષ્યના ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય વિકાસને પ્રદર્શિત કરીને આ સમિટમાં ગુજરાતની ભાવિ ઔદ્યોગિક શ્રેષ્ઠતાને વિશ્વ સમક્ષ મૂકવાનો છે. ગુજરાતમાં રાજકીય સ્થિરતા, શિક્ષણની સુવિધા, તબીબી સુવિધાઓ, રોજગારી તકો અને મજબૂત કનેક્ટિવિટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે જેના પરિણામે ગુજરાત શાંતિપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય સ્થળ છે તે દર્શાવવાનો પણ ઉદ્દેશ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઈવેન્ટમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ગુજરાતની 2022 અને તેથી આગળની ભાવી વિકાસયાત્રાનું આગવું વિઝન રજૂ કરશે.

આ સેમિનાર રોજગારી અને ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં સ્થળાંતર કરતા રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરાવવાની ગુજરાતની ક્ષમતાનો પરિચય કરાવશે. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 19 જાન્યુઆરી 2019 ના રોજ આ ઈવેન્ટ યોજાશે. વિશ્વભરના ઉદ્યોગકારો અને રોકાણકારો ઉપરાંત વ્યુહરચનાકારોને સંયુક્ત રીતે રાજ્યમાં રહેલી રોકાણની પ્રવર્તમાન અને ભાવિ તકો વિશે આ સેમિનારમાં માહિતી પૂરી પાડવામાં આવશે. ગુજરાતના જે યુવા ઉદ્યોગકારો આજે પોતાની કંપનીને નવી ઉંચાઈઓ ઉપર લઈ જઈ રહ્યા છે અને સ્ટાર્ટ અપ તેમજ ઈનોવેશનના માધ્યમથી સફળતાની નવી ઉંચાઈઓ સર કરી રહ્યા છે, તેમને પણ આ ‘ફ્યુચરિસ્ટિક’ કાર્યક્રમમાં પોતાનો પ્રતિભાવ લોકો સમક્ષ રજૂ કરવાની તક પૂરી પાડવામાં આવશે.

 • આફ્રિકા ડે

નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે વૈશ્વિક અગ્રણીઓ અને ઉદ્યોગોના સંચાલકો ગુજરાતમાં મૂડી રોકાણ અંગે વ્યુહાત્મક ભાગીદારી તથા વેપાર અને ઉદ્યોગોમાં વિવિધ તકો વિશે વિચાર-વિમર્શ કરી શકે અને ગુજરાતમાં મૂડી રોકાણ થઈ શકે તે હેતુથી આગામી 19 જાન્યુઆરી 2019ના રોજ ‘આફ્રિકન ડે- આફ્રિકા દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. સેમિનારમાં ભારતીય રોકાણકારો આફ્રિકાન દેશોમાં રોકાણ માટેની તકોથી માહિતગાર થશે. ગુજરાત દ્વારા આફ્રિકન દેશોને પૂરી પાડવામાં આવતી તબીબી સેવાઓ અને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે રહેલી સંભવિત તકો વિશે ચર્ચા કરવામાં આવશે. ગુજરાત પાસે વૈશ્વિક સ્તરની પોસાય તેવી તબીબી સેવાઓ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત આફ્રિકન પ્રતિનિધિ મંડળ માટે ઝાયડ્સ હોસ્પીટલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિઓલોજી, અમૂલ ડેરીનો પ્રોસેસીંગ પ્લાંટ, આઈઆઈટી- ગાંધીનગર, ગિફ્ટ સિટીની મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આફ્રિકન અને ભારતીય કંપનીઓ તેમના પરસ્પર રસનાં ક્ષેત્રોના વિવિધ ઉત્પાદનો અને સેવાઓને પ્રદર્શિત કરી શકે એ માટે 2,200 ચોરસમીટર વિસ્તારમાં એક વિશેષ આફ્રિકા પેવેલિયન ઉભું કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે 54 આફ્રિકન દેશો પૈકીના 40 દેશોએ સહમતી આપી છે અને બીજા વધુ કેટલાંક દેશો પણ જોડાય તેવી સંભાવના છે. ભારતમાંથી સુઝલોન, વેદાંતા, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ જેવી કંપનીઓ પણ આ ઇવેન્ટમાં જોડાઇ રહી છે.

 • અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલઃ (17 થી 28 જાન્યુઆરી 2019)

અમદાવાદના રીટેલ સેક્ટરને વધુ વિકસાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા દુબઈમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની તર્જ પર તા. 17 થી 28 જાન્યુઆરી 2019 દરમિયાન અમદાવાદ ખાતે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોપિંગ ફેસ્ટિવલ સ્થાનિક વેપારીઓને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરૂ પાડશે તથા વાયબ્રન્ટ સમિટનાં ઉપલક્ષમાં શહેરમાં આવતા વિશ્વભરના પ્રતિનિધિ-મુલાકાતીઓનો લાભ પણ મળશે. ફેસ્ટિવલમાં બ્રાન્ડેડ ઉત્પાદનોથી લઈને હેન્ડીક્રાફટ ઉત્પાદકો તથા શહેરના સ્થાનિક વેપારીઓ ભાગ લેશે. શોપિંગ ફેસ્ટિવલમાં હસ્તકલાનું નિદર્શન, મનોરંજન માટે ફિલ્મ, ફૂડ ફેસ્ટિવલ, ફ્લી માર્કેટ જેવી ઈવેન્ટ્સ પણ આયોજિત કરવામાં આવી છે. દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતા પતંગ મહોત્સવના દિવસોમાં આ ફેસ્ટિવલ શહેરમાં એક વિશેષ ઉત્સાહ અને ઉજવણીનું વાતાવરણ ઉભું કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]