ગાંધીનગરઃ ઉત્તર વિધાનસભાનાં ધારાસભ્ય રીટાબહેન દ્વારા પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ગરબાનું આયોજન કર્યું હતું.
આ આયોજિત કેસરિયા ગરબા મહોત્સવનો લોકપ્રિય નેતા, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમ જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિ વચ્ચે રંગારંગ પ્રારંભ થયો હતો.
તેમના આગમન સાથે જ ખેલૈયાઓ અને દર્શકોનો ઉત્સાહ બમણો થયો હતો. ધારાસભ્ય રીટાબહેન પટેલ તેમ જ સહાય ફાઉન્ડેશન દ્વારા અમિતભાઈ શાહનું અયોધ્યા રામ મંદિરના મોમેન્ટો અને ખેસથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેસરિયા ગરબાના પ્રથમ દિવસે ભવ્ય આતશબાજી યોજાઈ હતી.
સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેસરિયા ગરબામાં પ્રથમ દિવસે અંદાજે ૨૯,૦૦૦ કરતાં વધારે ફૂટફોલ નોંધાયા હતાં. પ્રથમ નોરતે ગાયક પ્રહર વોરા અને ટીમે ખેલૈયાઓને ગરબાના તાલે ઝુમાવ્યા હતાં.
ગરબાની શરૂઆત અને સમાપન રાષ્ટ્રગીતથી કરવામાં આવ્યું હતું.
રાધે રાધે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયના સહયોગથી કેસરિયા ગરબાના પ્રાંગણમાં ૧૫૫૧ ફૂટ લાંબા અને ૧૦ ફૂટ પહોળા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે ગૌરવવંતી શૌર્ય મહાયાત્રા યોજાઇ હતી.
આ ઉપરાંત કેસરિયા ગરબા મહોત્સવ દરમિયાન એકત્રિત થયેલા પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ કરી તે વેસ્ટમાંથી બાંકડાઓ, લખવાના પેડ અને કુંડા બનાવવાની વ્યવસ્થા સહાય ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.
સહાય ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ બાલ-બાલિકા (વય: ૭ વર્ષ સુધી), શ્રેષ્ઠ ગોપાલ-ગોપી (વય ૭થી ૧૨ વર્ષ), શ્રેષ્ઠ કિશોર- કિશોરી (વય ૧૩થી ૧૭ વર્ષ); શ્રેષ્ઠ રાજકુમાર- રાજકુમારી (વય ૧૮થી ૩૫ વર્ષ).
શ્રેષ્ઠ રાજા-રાણી (વય ૩૫ વર્ષથી વધુ), શ્રેષ્ઠ પ્યારી જોડી (વય ૧૮થી ૩૫ વર્ષ)ની શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને વસ્ત્ર સહિતની કેટેગરીમાં ૩૮ ખેલૈયાઓને વિજેતા અને રનર્સ-અપ તરીકે સરાહના કરી.
શ્રીરામ મંદિર મોમેન્ટો, આકર્ષક ગિફ્ટ, રોકડ ઇનામ તેમ જ ગિફ્ટ વાઉચર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.