51 શિક્તિપીઠ માંથી સૌથી મહત્વનું ગણાતું અંબાજી મંદિર ગુજરાતમાં આવેલું છે. જ્યારે આ અંબાજી મંદિર સહિત શહેરની કાયાપલટ કરવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લગભગ 1200 કરોડના ખર્ચે અંબાજી શહેરની કાયાપલટનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વિશેષ ગબ્બર પર્વત દેવી સતીના હૃદયનું સ્થાન અને વિશા યંત્ર જ્યાં હાલ મંદિર આવેલું છે, તેને જોડવા માર્ગ બનાવાનું આયોજન થયું છે. શહેરી રસ્તાથી અલગ જ આ વૈકલ્પિક માર્ગ બનશે. 50 વર્ષીય માસ્ટર પ્લાનમાં શક્તિ, ભક્તિ અને પ્રકૃતિનો સમન્વય થશે. ઓક્ટોબર મહિનાથી ત્રણ તબક્કામાં અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ શરૂ થશે. 2027 સુધી કામને પૂરું કરવાનું લક્ષ્ય છે. ગબ્બર અને મંદિરને જોડતા માર્ગને શક્તિપથ નામ અપાશે.
શક્તિપથ તૈયાર થયા બાદ શ્રદ્ધાળુઓ વિશા યંત્રનાં દર્શન કરી મંદિર પ્રાંગણના ચાચરચોકમાંથી 2.5 કિમી રસ્તે ચાલીને સીધા ગબ્બર સુધી પહોંચી શકશે. શક્તિપથ અંતર્ગત ગબ્બર, વિશા યંત્ર મંદિર, માનસરોવર, રેલવે સ્ટેશન અને કામાક્ષી માતા મંદિરને જોડવામાં આવશે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. વિશ્વસ્તરીય આ પ્રોજેક્ટ માટે અધિકારીઓ ઉપર તેમની સીધી નજર છે. વડાપ્રધાન સમક્ષ અંબાજી મંદિર પ્રોજેક્ટનું પ્રેઝેન્ટેશન રજૂ થઈ ચૂક્યું છે. તેમણે કેટલાંક સૂચનો આપ્યાં છે તે મુજબ ફેરફાર કરી યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા સૂચનાઓ અપાઈ છે. અંબાજી પ્રોજેક્ટમાં કોઈ ચૂક રહે નહીં તેની ખાસ તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.
અંબાજી મંદિરમાં થનારું ડેવલોપમેન્ટના પ્રથમ તબક્કામાં ગબ્બર સર્કલ અને અંબાજી સર્કલ તૈયાર થશે, આ ઉપરાંત અંડરપાસ-વે બનશે, રાહદારીઓ માટે રસ્તો, દિવ્યદર્શની ચોક બનશે, શક્તિપથ-2નું કાર્ય થશે, નિશ્ચિત વિવિધ સુવિધાને લગતાં કાર્યો, પાર્કિંગ અને આગમન પ્રાંગણ બનશે જ્યારે પ્રથમ તબક્કામાં આ સુવિધા પૂરી પાડવા માટેની ઈમારતો તૈયાર થશે. જ્યારે બીજા તબક્કામાં એમ્પિથિયેટર અને લાઈટ-સાઉન્ડ શો તૈયાર થશે. આ ઉપરાંત ગબ્બર નજીક પાર્કિંગની વ્યવસ્થા સુદૃઢ કરાશે જેમાં મલ્ટિલેવલ કાર પાર્કિંગ ઉપલબ્ધ હશે, ગબ્બર અરાઈવલ પ્લાઝા, ગબ્બર મંદિરનું વિસ્તરણ થશે, ઈન્ફર્મેશન ડેસ્ક, ટૂરિસ્ટ ફેસિલિટી, EV સ્ટેશન્સની સુવિધા ઉપલ્બધ કરવામાં આવશે. અંબાજી મંદિરના રીડેવલ્પમેન્ટના ત્રીજા તબક્કામાં સતી સરોવર અને સતી ઘાટ બનશે, ઈવેન્ટ ગ્રાઉન્ડ તૈયાર થશે, ગબ્બર તરફ જવાના માર્ગની કામગીરી કરાશે, વિશા યંત્ર મંદિર પરિસરનો વિસ્તાર, મ્યુરલ વોલ, શક્તિપથ-1 આજુબાજુની ઈમારતોને સુવિધાઓ, માનસરોવરનો વિસ્તાર વધારાશે
