શાહનો હુંકારઃભાજપ રાજ્યમાં બે તૃતીયાંશ બહુમતીથી જીતશે

ગાંધીનગરઃ રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વાર ભાજપ બે તૃતીયાંશ બહુમતીથી જીતશે  અને સત્તા હાંસલ કરશે, એવો દાવો ગૃહપ્રધાન અમિત શાહે કર્યો હતો. લોકોને ભાજપ પર લાંબા સમયથી વિશ્વાસ છે, કેમ કે પાર્ટીએ રાજ્યના મતદારોની બધી આકાંક્ષોને પૂરી કરી છે, એમ તેમણે કહ્યું હતું.

અમદાવાદ જિલ્લાના ઝાંઝરકામાં સંત સવૈયાનાથજી ધામમાં ત્રીજી ગુજરાત ગૌરવ યાત્રાને લીલી ઝંડી બતાવતાં પહેલાં તેમણે એક જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે ભાજપ ફરી એક વાર સત્તામાં આવશે. ભાજપ દ્વારા આ યાત્રા ગીર-સોમનાથમાં સોમનાથ મંદિર સુધી કાઢવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે ભાજપે રાજ્યમાં અનેક વિકાસ કાર્યો અવિરત કર્યા છે, જેથી કોર્પોરેશન, જિલ્લા, તાલુકા પંચાયતો, વિધાનસભા કે પાર્લમેન્ટમાં –દરેક ચૂંટણીમાં રાજ્યના લોકોએ ભાજપને ભવ્ય જીત અપાવી છે. હું આજે બધા બધા પત્રકારોની હાજરીમાં કહું છું કે 2022માં ભાજપ સરકાર ફરી બે તૃતીયાંશ બહુમતીથી સત્તામાં આવશે, કેમ કે રાજ્યના લોકો ભાજપમાં વિશ્વાસ ધરાવે છે. અને ભાજપે પણ લોકો માટે અનેક વિકાસ કાર્યો કર્યાં છે, એમ તેમણે કહ્યું હતું.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય કે સુરતમાં હીરાબજાર, બુલેટ ટ્રેન, પરંપરાગત દવાઓ માટે જામનગરમાં આવેલું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું ગ્લોબલ સેન્ટર- ભાજપે રાજ્યના અનેક વિકાસનાં કાર્યો કર્યાં છે. આ ઉપરાંત ભાજપે અંબાજી અને સોમનાથ મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળોનો વિકાસ કર્યો છે. તેમણે કહ્યું હતું કે ભાજપ સત્તામાં આવ્યા પછી રાજ્યમાં એક પણ વાર કરફ્યુ પણ નથી લાગ્યો.