‘આપ’ પાર્ટીની સાતમી યાદી સાથે 70 ટકા ઉમેદવારો જાહેર

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં જીતવા ‘આપ’ પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. આ સાતમી યાદીમાં કુલ 13 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કડી, ઉત્તર ગાંધીનગર, વઢવાણ, મોરબી, જસદણ, કાલાવાડ, મોરબી, જેતપુરજામનગર ગ્રામ્ય, સંખેડા લુણાવાડા, મહુવા અને માંડવી બેઠકો પરના ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે.

‘આપ’ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી સાતમી યાદીમાં કુલ 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કડીથી એચકે ડાભી, ગાંધીનગર-ઉત્તરથી મુકેશ પટેલ, વઢવાણથી હિતેશ પટેલ, મોરબીથી પંકજ રંસારિયા, જસદણથી તેજસ ગાજીપરા, જેતપુર (પોરબંદર)થી રોહિત ભુવા, કાલાવાડથી ડો.જિજ્ઞેશ સોલંકી, જામનગર ગ્રામ્યથી પ્રકાશ ડોંગા, મહેમદાવાદથી પ્રમોદભાઈ ચૌહાણ, લુણાવાડાથી નટવરસિંહ સોલંકી, સંખેડાથી રંજન તડવી, માંડવી (બારડોલી)થી સાયનાબહેન ગામીત, મહુવા (બારડોલી)થી કુંજન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

‘આપ’ પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન આજે વડોદરા આવી રહ્યા છે. તેઓ રાજ્યમાં અલગ-અલગ છ જગ્યાએ આમ આદમી પાર્ટી વિચારો રજૂ કરવા જનસભાઓને સંબોધશે. તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીએ 70 કરતાં વધુ ઉમેદવાર જાહેર કરી દીધા છે. રાજ્યના રાજકીય ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે ચૂંટણીના મહિનાઓ અગાઉ કોઈ પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરી દે. તેંમણે સી. આર. પાટીલ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે સી.આર.પાટીલ ભારત બહારના નથી અને ગુજરાતની અંદરના પણ નથી. આમ આદમી પાર્ટીએ આઠ દિવસ પહેલાં છઠ્ઠી યાદી જાહેર કરી હતી