અંધશ્રદ્ધા: હૃદયરોગની સારવાર માટે 7 મહિનાની બાળકીને ગરમ સળિયાના ડામ આપ્યાં

0
1198

બનાસકાંઠા– ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે. લાખણી તાલુકાના ગણતા ગામમાં 7 માસની બાળકીને બીમારીના ઈલાજ માટે ડામ આપવામાં આવ્યાં છે. પરિવાર સારવારના બદલે બાળકીને એક સપ્તાહ પહેલાં ભૂવા પાસે લઇ ગયો હતો. જ્યાં તેને ડામ આપવામાં આવ્યાં હતાં.

બાળકીની તબિયત લથડતા તેને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકીની સારવાર કરનાર ડોક્ટરે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આ બાળકીને હાર્ટની બીમારી હતી અને એક સપ્તાહ પહેલાં તેમના માતા પિતા લાખાણી વિસ્તારમાં સારવાર માટે તેને લઈ ગયાં હતાં.

બનાસકાંઠા જિલ્લાના લાખણીના ગણાતા ગામમાં 7 માસની બાળકી બીમાર થઇ હતી. જોકે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાના બદલે પરિવાર અસાસણ ગામના ભૂવા પાસે પહોંચ્યો હતો. જ્યાં ભૂવાએ બાળકીની સારવાર કરવાના બહાને ગરમ ચીપિયાથી ડામ આપ્યાં હતાં. ભૂવાએ માસૂમ બાળકીને પેટના ભાગ પર ચીપિયાના ડામ આપ્યાં હતાં. ડામ આપવાથી પણ બાળકીના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો ન હતો અને બાળકીની તબિયત વધુ લથડી હતી. જેથી પરિવાર બાળકીને લઇને હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકીને વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસડેવામાં આવી છે.

ડો. સુનીલ આચાર્ય એ જણાવ્યું કે, આ બાળકીને જરૂરી સારવાર આપ્યા બાદ સોમવારે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ચાલુ મહિને જ આ જિલ્લામાં આ બીજો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો હતો.

2 જૂનના રોજ પણ આવો જ એક કિસ્સો બનાસકાંઠાના વાવમાં બન્યો હતો. જ્યાં બીમાર બાળકને ડામ આપવામાં આવ્યાં હતાં. જેના કારણે બાળકનું મોત નીપજ્યું હતું. બાળક બીમાર પડે ત્યારે હોસ્પિટલ લઇ જવાના બદલે ભૂવાઓ પાસે લઇ જવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે બાળકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યાં છે.