ઝાકીર નાઈક પ્રત્યાર્પણ મામલે મલેશિયાના PMનું ચોંકાવતું નિવેદન…

કુઆલાલમ્પુર- મની લોન્ડ્રિંગના આરોપી ઈસ્લામિક ઉપદેશક ઝાકીર નાઈકના પ્રત્યાર્પણને લઈને એક તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રેડ કોર્નર નોટીસ ઈશ્યુ કરવાની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ મલેશિયન સરકારનું કહેવું છે કે, ઝાકીરનું પ્રત્યર્પણ ન કરવાનો અધિકાર તેમની પાસે છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર મલેશિયાના વડાપ્રધાન ડો. મહાતિર મોહમ્મદે કહ્યું કે, જો ઝાકીરને ન્યાય ન મળે તો મલેશિયા પાસે અધિકાર છે કે તે નાઈકનું પ્રત્યાર્પણ ન કરે. મહાતિરે સાથે એમ પણ કહ્યું કે, ઝાકીરને લાગે છે કે, ભારતીય કોર્ટમાં તેમના મામલે નિષ્પક્ષ સુનાવણી નહીં થાય.

મહત્વનું છે કે, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ઝાકીર નાઈક વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો હતો ત્યાર બાદ ઈડીએ મની લોન્ડ્રિંગ કેસ મામલે તપાસ હાથ ધરી છે. ઈડીએ ઝાકીરને ભાગેડુ જાહેર કરવાને લઈને મુંબઈની વિશેષ અદાલતમાં અરજી દાખલ કરી છે. આ મામલે વધુ સુનાવણી આગામી 19 જૂનના રોજ હાથ ધરાશે. જો અહીંની અદાલત તેમને ભાગેડુ જાહેર કરશે તો પછી ઈડી ઝાકીર વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવા માટે ઈન્ટરપોલનું વલણ અપનાવશે. મલેશિયાએ 2010માં ભારત સાથે પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે.