બાળકોને રમતગમત સાથે જીવનલક્ષી શિક્ષણ આપતું સેવા જ્ઞાન કેન્દ્ર

અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ડો.બાબા સાહેબ આંબેડકર હોલના પ્રાંગણમાં સેવા સંસ્થાના જ્ઞાન કેન્દ્રનો બાળમેળો યોજાયો હતો. શ્રમજીવી મહિલાઓને પગભર કરતી સંસ્થા સેવા સાથે સંકળાયેલી બહેનોનાં બાળકોએ બાળ મેળાની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

સેવા સંસ્થા સાથે સંકળાયેલાં પૃથા વ્યાસ ચિત્રલેખા.કોમને કહે છે, સેવાના આ જ્ઞાન કેન્દ્રોની શરૂઆત 2004ની સાલથી થઈ હતી. દશ જેટલાં જ્ઞાન કેન્દ્રો ચાલે છે. એક જ્ઞાન કેન્દ્ર ભાવનગરમાં પણ છે. આ જ્ઞાન કેન્દ્રોની સાથે 600 જેટલાં બાળકો જોડાયેલાં છે.

જીવનલક્ષી શિક્ષણ, પૂરક શિક્ષણ આપી બાળકોને સજ્જ કરવામાં આવે છે. રોજિંદા શિક્ષણ સાથે બૂટ ચંપલ સાંધવા અને બટન ટાંકવા જેવી નાનીમોટી અનેક બાબતો શીખવવામાં આવે છે. સેવા જ્ઞાન કેન્દ્ર દ્વારા યોજવામાં આવેલા બાળ મેળામાં ઇલાબહેનની ઇચ્છા અનુસાર જૂનાં વાજિંત્રો, પરંપરાગત સંગીતનાં સાધનોનું બાળકો દ્વારા પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું. બાળકોના એક બેન્ડની પણ રચના કરવામાં આવી છે.

આ સાથે એક્ઝિબિશન, રમતો, ફેશન શો જેવી અનેક બાબતો બાળકો પાસે તૈયાર કરાવી દિવસમાં રજૂ કરી. સેવા જ્ઞાન કેન્દ્રોનો ઉદ્દેશ શ્રમજીવી મહિલાઓનાં બાળકોને પણ સાંપ્રત સમાજ સાથે જોડી રમતગમત, કળા અને શિક્ષણમાં આગળ વધારવાનો પ્રયાસ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)