રાજ્યમાં ઠંડીનો પ્રારંભ, તાપમાનમાં ત્રણ ડિગ્રીના ઘટાડાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં આખરે ઠંડી શરૂ થઈ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે  આગામી ત્રણ દિવસમાં પારો ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા છે. ગુરુવારે 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે રહ્યો હતો. નલિયામાં સૌથી ઓછું 8.4 ડિગ્રી તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જ્યારે ગાંધીનગરમાં પારો 11.9 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં પારો 12 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે અમદાવાદમાં છેલ્લા ચાર દિવસોમાં પારો સાત ડિગ્રી ઘટીને 12.8 ડિગ્રીએ નોંધાયો હતો.

મહુવામાં ઠંડીનો પારો 13.1 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમરેલી અને દીવમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે વલ્લભવિદ્યાનગર અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 14.7 ડિગ્રી પર પહોંચ્યો છે. પોરબંદરમાં ઠંડીનો પારો 15.8 ડિગ્રી, દ્વારકામાં 16.9 ડિગ્રી, ભાવનગરમાં ઠંડીનો પારો 17 ડિગ્રી પર પહોંચ્યો છે. સંઘપ્રદેશ દમણમાં ઠંડીનો પારો 17.2 ડિગ્રી, વલસાડમાં ઠંડીનો પારો 17.5 ડિગ્રી, સુરતમાં 17.8 ડિગ્રી તો વેરાવળમાં ઠંડીનો પારો 18.5 ડિગ્રી પર પહોંચ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્યથી 2.4 ડિગ્રી વધુ હતું. આમ આ વખતે સામાન્ય કરતાં વધુ ગરમી પડી હતી, જેથી શિયાળો મોડો શરૂ થયો હતો. જોકે આવનારા દિવસોમાં ઠંડી વધવાની આશંકા છે. જાન્યુઆરીમાં ઉતરાણ આસપાસ પણ ઠંડા પવનો ફૂંકાવાની આશંકા છે.