અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતી 24 મીએ ભારત યાત્રા પર આવી રહ્યા છે. જો કે હજી તેમના પ્રવાસની આડે 3-4 દિવસ બાકી છે. પરંતુ આજથી મોટેરા સ્ટેડિયમની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે કે જ્યાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કાર્યક્રમ યોજાવાનો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે 24 ફેબ્રુઆરીના રોજ ભારતની યાત્રા પર આવી રહ્યા છે.અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રા પર વાત કરતા જણાવ્યું કે, એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી રોડ-શો યોજાશે. આ 22 કિલોમીટરના રોડ-શો માં 1-2 લાખ જેટલા લોકો ભાગ લેશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પની ભારતની પ્રથમ અધિકારિક યાત્રાને ઐતિહાસિક બનાવવામાં કોઈ કસર નહી રાખવામાં આવે. તેમના સ્વાગતની તૈયારીઓ અમદાવાદ, દિલ્હી અને આગ્રામાં કરવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પહેલા 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ પહોંચશે, તે દિવસે સાંજે તેઓ આગ્રા જશે અને બાદમાં તેઓ દિલ્હી પહોંચશે. અહીંયા બીજા દિવસે તેમનું રાજકીય સન્માન થશે અને વડાપ્રધાન મોદી સાથે સત્તાવાર વાતચિત થશે.
એરફોર્સ-વનથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પનું 19 શંખ વગાડીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ મળીને દુનિયાના આ સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન પણ કરશે. અહીંયા”નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે કે જેમાં એક લાખથી વધારે લોકો જોડાશે. આ એવું જ આયોજન હશે કે જેવું હ્યૂસ્ટનમાં “હાઉડી મોદી” કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.