અમદાવાદઃ રાજ્યમાં ગરમીએ છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજ્યનાં પાંચ શહેરોમાં શુક્રવારે 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધવામાં આવી હતી. હવામાન વિભાગે હજી આગામી બે દિવસ હીટ વેવની આગાહી કરી છે. આ સાથે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ તેમ જ કચ્છમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, અમરેલી સહિત અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ એટલે કે તાપમાન 41થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી 45.2 ડિગ્રી તાપમાન સાથે કંડલા એરપોર્ટ વિસ્તારમાં નોંધવામાં હતી.
અમદાવાદમાં 44 ડિગ્રી સાથે ગરમીએ છેલ્લાં 10 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ તોડયો હતો. શહેરમાં સામાન્ય રીતે મે માસમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતો હોય છે, પરંતુ આ વખતે એપ્રિલમાં જ ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.રાજ્યમાં ઉત્તર ગુજરાત સહિત સતત ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ અને સૂકા પવન જમીન સ્તરથી નજીકથી પસાર થતાં હોવાથી કાળઝાળ ગરમી પડી રહી છે.
અમદાવાદમાં ગરમી વધતાં હીટસ્ટ્રોકના કેસ વધ્યા છે. હવે ઉનાળો પૂરો થવામાં બે મહિના જ બાકી છે, ત્યારે શહેરમાં ગરમીનું પ્રમાણ વધતાં હીટ સ્ટ્રોક અને રોટા વાઇરસ જેવા કેસ વધ્યા છે.