શાળા પ્રવેશોત્સવ 2024: ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની

મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને,  છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા શાળા પ્રવેશોત્સવ મહત્વપૂર્ણ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે દીકરીઓના અભ્યાસને વેગ આપવા શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવની 21મી કડીના બીજા દિવસે છોટા ઉદેપુરમાં મુખ્યમંત્રીએ શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીએ છોટાઉદેપુરની પી.એમ.શ્રી તાલુકા શાળા નં-૧ ની મુલાકાત લઇ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશપાત્ર બાળકો તેમજ ધોરણ 9 તથા ધોરણ 11 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને ઉમંગ ઉલ્લાસ સાથે તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.  આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલે જણાવ્યું હતું કે “રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ પુરી પાડી છે. દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓ પણ રાજ્ય સરકારે શરૂ કરી છે. આજે બાળકને સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, સ્કીલ બેઈઝ્ડ એજ્યુકેશન શિક્ષકો દ્વારા સરકાર પૂરું પાડે છે.” વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું આહવાન કરતા તેમણે કહ્યું વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત માટે શિક્ષણ પાયામાં છે.

CM ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત શિક્ષકોને સરકારી  શાળાઓના  શિક્ષણનું સ્તર  શ્રેષ્ઠ  બને,  દરેક  પરિવારનો  બાળક શિક્ષણ મેળવી સુસંસ્કારી બને એવું લક્ષ્ય રાખીને શિક્ષક તરીકે સેવાદાયિત્વ નિભાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત CM વર્ગખંડોમાં જઇને વાંચન-લેખન, ગણન કૌશલ્ય, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવિણતાની  ઉંડાણપૂર્વક ચકાસણી કરી હતી. તેમણે  સ્માર્ટ  વર્ગ  ખંડ  સહિત શાળાની ભૌતિક સુવિધાઓ અને શાળા  પર્યાવરણનું  નિરીક્ષણ  કર્યું  હતું  અને શાળા પ્રબંધન સમિતિના સદસ્યો સાથે આ શાળાના શિક્ષણની ગુણવત્તા સંદર્ભે વિચાર વિમર્શ કર્યો હતો.