ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતી અવસરે, શુક્રવારે સાંજે રાજધાનીમાં ‘લોહપુરુષ’ નાટકનો પ્રીમિયર શો યોજાયો, જેમાં સરદાર પટેલના જીવનની ભવ્ય ઐતિહાસિક ઝલક જોવા મળી.

દિલ્હીની જાણીતી ગુજરાતી સંસ્થાઓ, ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્ર અને શ્રી દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળના સંયુક્ત ઉપક્રમે ‘મારી ભાષા ગુજરાતી’ દ્વારા પ્રસ્તુત આ વિડીયો શોનું આયોજન શાહ ઓડિટોરિયમના નરસિંહ મહેતા હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં અભિનવ ભારત – આભાર પર્વનો સહકાર મળ્યો હતો.
આ સમારોહના મુખ્ય અધ્યક્ષ તરીકે રાજધાનીના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટ અને સમાજસેવક તેમ જ અભિનેતા હિતેશ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે જણાવ્યું કે, “સરદાર પટેલનું જીવન અને કાર્યો આપણા બધા માટે પ્રેરણારૂપ છે. તેમણે એક રાષ્ટ્ર તરીકે ભારતને એકજૂટ કરવામાં જે યોગદાન આપ્યું છે, તે અભૂતપૂર્વ છે. આવા નાટકો દ્વારા તેમની વીરગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.”

કાર્યક્રમની શરૂઆત ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્રના પ્રમુખ વિરાટ શાહ દ્વારા સ્વાગત પ્રવચનથી થઈ હતી. જાણીતા સાહિત્યકાર અને નાટ્યકાર ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા લિખિત, અભિનિત અને દિગ્દર્શિત એકપાત્રીય નાટક ‘લોહપુરુષ’ની પ્રસ્તુતિ થઇ. કાર્યક્રમના અંતે, દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળના મહાસચિવ વિજય પંચાલે આભારવિધિ કરી હતી.
‘લોહપુરુષ’ નાટક યુટ્યુબ ચેનલ લિંક https//t.ly/UUs7G પર નિહાળી શકાય છે.


