સાહિત્યના ભાવકો, ચાહકો માટે ‘સાહિત્ય પંચામૃત-2022’ યોજાયું

અમદાવાદઃ ગુજરાતી ભાષા-સાહિત્યના ભાવકો અને ચાહકો માટે યોજવામાં આવેલા કાર્યક્રમમાં જાણીતા વક્તાઓ,  વ્યાખ્યાનકાર અને કવિઓએ ભાગ લીધો હતો. ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાત સાહિત્ય પરિષદમાં ‘ સાહિત્ય પંચામૃત-2022’ કાર્યક્રમ યોજાયો હતો.

સાહિત્ય પરિષદમાં નવા વર્ષ 2022ના પ્રારંભમાં જ 5થી 9 જાન્યઆરીમાં યોજાયેલા કાર્યક્રમની શરૂઆત મધ્યકાલીન યુગ અને મધ્યકાલીન યુગ પ્રતિનિધિ સર્જક પ્રેમાનંદના વ્યાખ્યાન દ્વારા કરવામાં આવી હતી. જેમાં વક્તા મહેન્દ્રસિંહ પરમાર અને તુષાર શુકલએ કાવ્ય પઠન કર્યું હતું.

મકરંદ મહેતાએ છઠ્ઠી જાન્યુઆરીએ સુધારક યુગ અને સુધારક યુગ પ્રતિનિધિ સર્જક મહિપતરામ રૂપરામ નીલકંઠ વિશે વ્યાખ્યાન આપ્યું હતું, જ્યારે દલપત પઢિયારે કાવ્ય પઠન કર્યું હતું.

સતીશ વ્યાસે સાત જાન્યુઆરીએ પંડિત યુગ પ્રતિનિધિ સર્જક ‘કાન્ત’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. જ્યારે જાણીતા કવિ માધવ રામાનુજ દ્વારા કાવ્ય પઠન કરવામાં આવ્યું હતું.

નિવૃત્ત સરકારી અધિકારી વસંત ગઢવીએ આઠ જાન્યુઆરીએ ગાંધી યુગ અને ગાંધી યુગ પ્રતિનિધિ સર્જક મો. ક. ગાંધી વિશે વ્યાખ્યાન આપ્યું હતું. જ્યારે વક્તા અજયસિંહ ચૌહાણે અનુ ગાંધીયુગ અને અનુગાંધી યુગ પ્રતિનિધિ સર્જક કૃષ્ણલાલ  શ્રીધરાણીએ વિશે વ્યાખ્યાન આપ્યું હતું.

વક્તા મીનલ દવેએ રવિવારે આધુનિક યુગ અને આધુનિક યુગ પ્રતિનિધિ સર્જક લાભ શંકર ઠાકર વિશે વ્યાખ્યાન આપ્યું હતું. જ્યારે વક્તા ગુણવંત વ્યાસ અને સંધ્યા ભટ્ટ દ્વારા અનુ આધુનિક યુગ અને અનુ આધુનિક યુગ પ્રતિનિધિ સર્જક જોસેફ મેકવાન, ઇલા આરબ મહેતા વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.  

સળંગ પાંચ દિવસ ચાલેલા સાહિત્ય પંચામૃતનું સંચાલન કવિ મનીષ પાઠક ‘ શ્વેત ‘ દ્વારા કરવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)