રાજ્યમાં ઠંડા પવન ફૂંકાશેઃ ઉત્તરાયણ પછી માવઠાની શક્યતા

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યાનુસાર હજુ રાજ્યભરમાં ઠંડીનું જોર રહેશે. હજી બે-ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પડશે. રાજ્યમાં ઠંડા પવન પણ ફૂંકાશે.  કચ્છમાં તો શીતલહેર અનુભવાશે. હજી આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે. વળી, તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટશે એમ હવામાન વિભાગે કહ્યું હતું. રાજ્યમાં કચ્છનું નલિયા છ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં સાત ડિગ્રી, અમદાવાદ અને વડોદરામાં નવ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું.

હાલ અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે અને કેટલાક જિલ્લામાં લઘુતમ તાપમાન આઠ ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યનાં નવ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં પાંચ ડિગ્રીથી 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

જોકે રાજ્યના ખેડૂતો માટે ફરી એક વાર માઠા સમાચાર છે. ગુજરાતમાં ફરી માવઠાની આશંકા છે. આવી રહી છે. રાજ્યમાં ફરી એકવાર ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકશે. રાજ્યમાં ઉત્તરાયણ પછી 16થી 19 જાન્યુઆરીએ રાજ્યના હવામાનમાં પલટો આવશે. આ સાથે રાજ્યમાં 18થી 20 જાન્યુઆરીએ કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે. આ ઉપરાંત 25થી 29 જાન્યુઆરીએ પણ વાતાવરણમાં પલટો આવી શકે છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]