સુરતમાં નશા માટે રૂપિયા ન આપતા સગિરને ઉતાર્યો મોતને ઘાટ, 2 આરોપીની ધરપકડ

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડાગીરી, નશાખોરી અને અસામાજિક તત્વોનો રાજ વધતો જાય છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ ફેલાયો છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ કાયદો અને વ્યવસ્થા નામનું કશું બચ્યું નથી એવી ફરિયાદો લોકો કરી રહ્યા છે. તાજેતરમાં કાપોદ્રા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની, નશો કરવા માટે રૂપિયા ન આપવાને કારણે 17 વર્ષના યુવકની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવાઈ. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો, અને મહિલાઓએ રણચંડી બનીને કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાપોદ્રા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ વાઘેલા, મૂળ અમરેલીના માલસીકા ગામના, પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે. તેઓ ફળની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે. તેમનો એકમાત્ર પુત્ર પરેશ (ઉં.વ. 17) હીરાના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક ટેકો આપતો હતો. સોમવારે રાત્રે પરેશ કારખાનેથી ઘરે પરત ફરતો હતો ત્યારે પ્રભુ શેટ્ટી (ઉં.વ. 25, રહે. લક્ષ્મણ નગર સોસાયટી, કાપોદ્રા) નામના નશેડીએ તેની પાસે નશો કરવા માટે પૈસા માગ્યા. પરેશે જણાવ્યું કે તેની પાસે માત્ર ભાડાના 10 રૂપિયા છે, જેના પર ગુસ્સે થયેલા પ્રભુએ તેની સાથે ઝઘડો કર્યો અને પેટમાં ચપ્પુ ભોંકી દીધું.

આ હુમલાથી પરેશને ગંભીર ઈજાઓ થઈ, અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જોકે, ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું. આટલું જ નહીં, પ્રભુએ પરેશ પર હુમલો કર્યા બાદ નજીકમાં એક રિક્ષાચાલક સાથે પણ ઝઘડો કર્યો અને તેને પણ ચપ્પુના ઘા માર્યા. હાલ રિક્ષાચાલક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

આ ઘટનાએ કાપોદ્રા વિસ્તારમાં ભારે હોબાળો મચાવ્યો. લગભગ 400-500 મહિલાઓ અને સ્થાનિક રહીશોએ કાપોદ્રા પોલીસ સ્ટેશન પર ધસી જઈને ઘેરાવો કર્યો. મહિલાઓએ ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવા અને હત્યારાને ફાંસીની સજા આપવાની માગણી સાથે નારેબાજી કરી. આ દરમિયાન પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે પોલીસે સ્ટેશનના દરવાજા બંધ કરી દીધા. ડીસીપી આલોક કુમાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને લોકોને સમજાવીને મામલો શાંત કર્યો.

પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપી પ્રભુ શેટ્ટીની ધરપકડ કરી લીધી. આરોપીએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે આ મામલે ખાસ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવી છે, અને 15 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. પરેશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાએ સુરતમાં વધતી નશાખોરી અને અસામાજિક તત્વોની ગુંડાગીરીનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે કાપોદ્રા સહિત સુરતના અનેક વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલે છે, જે ગુનાખોરીને વેગ આપે છે. નાગરિકો પોલીસ અને સરકાર પાસે આવા અડ્ડાઓ સામે કડક પગલાં લેવાની માગ કરી રહ્યા છે. જોકે, સરકારી આંકડાઓમાં ગુનાખોરી ઘટી હોવાનું દર્શાવાય છે, પરંતુ લોકોનો અનુભવ એનાથી વિપરીત છે.