વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા સૌથી યુવાન વયના પોલીસ-અધિકારી

અમદાવાદ: ભારતના સૌથી યુવાન ૨૨ વર્ષના આઇ.પી.એસ.અધિકારી સફીન હસને અમદાવાદમાં અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. અદાણી ફાઉન્ડેશન સંચાલિત આ વિદ્યામંદિરના ‘ચેન્જમેકર’ પહેલના ભાગરુપે અમદાવાદ પૂર્વના નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક તરીકે કાર્યરત સફીન હસને શાળાની મુલાકાત લીધી હતી.

વિદ્યાર્થીઓ સાથેના સંવાદ દરમિયાન તેમણે અમદાવાદ અદાણી વિદ્યામંદિરના ૧૨ સદગુણો – વિશ્વાસ, ન્યાય, પ્રમાણિકતા, હાસ્ય, હિંમત, વૃધ્ધિ, પ્રેમ, વફાદારી, નેતૃત્વ, પડકાર, શાણપણ અને શાંતિનું મહત્વ સમજાવી આ બારેય સદગુણોને અત્યારથી જ હૃદયમાં રાખી તમારી કારકિર્દી બનાવવા શીખ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને પોતાની જાત ઉપર ભરોસો રાખવા, જાતને પ્રેમ કરવા અને પ્રમાણિકતા સાથે તેમજ તેમના સ્વપ્નોને સ્વતંત્ર રીતે સાકાર કરવા આગ્રહભરી અપીલ કરી હતી.

સફીને વિપરીત પરિબળો અને સંજોગોની પરવા કર્યા વિના પોતાની અંદરની તાકાત અને મક્કમ નિર્ધાર સાથે ૨૦૧૭માં પોતાનું સ્વપ્ન હાંસલ કર્યું તે જાણીને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થયા હતા. આ આઇ.પી.એસ.અધિકારીએ એ વાતનો ઘટસ્ફોટ કરતાં કહ્યું  હતું કે જ્યારે તેઓ યુપીએસસીની લેખિત પરીક્ષા આપવા જઇ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો અને તેમને ગંભીર ઇજા થઇ હતી. આમ છતાં આ ઇજાને અવગણી તેમણે પેપર લખ્યું હતું અને પરીક્ષા પૂરી થયા બાદ પોતે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને પોતાના ઉપર સંખ્યાબંધ શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી હતી.

સપનાઓ સાકાર કરવાની સફીનની સફર અભૂતપૂર્વ પડકારો અને કઠોર માર્ગોમાંથી પસાર થઇ છે. એક મધ્યમ વર્ગીય પરિવારના સફીને પ્રતિબધ્ધતાને પ્રેમ કરીને તેને હૃદયસરસી રાખી છે. કલેક્ટરે પોતાની શાળાની લીધેલી મુલાકાત અને કલેક્ટરને એ વખતે મળેલા સમ્માન અને સત્કારે પોતાના ઉપર પાડેલા પ્રભાવનો અનુભવ આ વિદ્યાર્થીઓને જણાવ્યો હતો. કલેક્ટરની એ મુલાકાત સફીનને આઇ.પી.એસ.અધિકારી બનવા માટેના પ્રેરણાના પથ તરફ દોરી ગઇ હતી.

ચેન્જમેકરની આ શ્રેણીની ડિઝાઇન યુવા મનને વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા  નિષ્ણાતો, પ્રેક્ટીસનર્સ અને પ્રોફેશનલ પાસેથી પ્રેરણા અને ઉત્તેજન પ્રાપ્ત થાય એ પ્રમાણે બનાવવામાં આવી છે. વિદ્વાન વક્તાઓ પોતાના વાસ્તવિક જીવનના અનુભવો આ વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચીને અદાણી વિદ્યામંદિરના ગરીબ અને વિશેષ સુવિધાથી વંચિત રહેલા અહી ગુણવત્તાયુક્ત શિક્ષા પ્રાપ્ત કરતા બાળકોને પોતાના સપનાઓ સાકાર કરવા તરફ દોરી જવા માટેનો જુસ્સો વધારે છે.