ઉર્ફી જાવેદની ધરપકડ કરોઃ પોલીસને લેખિત ફરિયાદ

મુંબઈઃ પોતાની સાવ અલગ, ચિત્ર-વિચિત્ર ફેશન દ્વારા સોશ્યલ મીડિયા પર કાયમ ચર્ચામાં રહેતી અભિનેત્રી એટલે ઉર્ફી જાવેદ. અવારનવાર તે જાહેરમાં ઉત્તેજક અને અશ્લીલ ડ્રેસ પહેરીને ફોટોગ્રાફરોને પોઝ આપતી હોય છે અને પોતાનાં એવા ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. એની વ્યાપક ટીકા કરવામાં આવી છે, તે છતાં તે એની અવગણના કરતી આવી છે. હવે મુંબઈમાં ભારતીય જનતા પાર્ટીનાં મહિલા નેતા ચિત્રા વાઘે ઉર્ફી વિરુદ્ધ પોલીસમાં લેખિતમાં ફરિયાદ કરી છે. તેઓ શહેરના પોલીસ કમિશનર વિવેક ફણસળકરને પોલીસ મુખ્યાલયમાં જઈને મળ્યાં હતાં અને પત્ર સુપરત કર્યો હતો. જેમાં એમણે પોલીસને વિનંતી કરી છે કે ઉર્ફી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. ટૂંકમાં એની ધરપકડ કરવામાં આવે.

ચિત્રાએ પોતાનાં ટ્વિટર હેન્ડલ પર ફોટા સાથે ટ્વીટ કર્યું છે કે, ‘હું મુંબઈના પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા)ને મળી હતી અને માગણી કરી હતી કે મુંબઈનાં રસ્તાઓ પર જાહેર સ્થળે બિભત્સ અને ઘૃણાસ્પદ અંગપ્રદર્શન કરતી ઉર્ફી જાવેદ સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. ઉર્ફી જાવેદ જાહેર રસ્તા પર જે રીતે અંગપ્રદર્શન કરે છે તે સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. આ પ્રકારની મનોવૃત્તિની કોઈ કલ્પના પણ કરી ન શકે. ભારતીય સંસ્કૃતિ, સભ્યતા પર આ કલંકસમાન છે. આ અભિનેત્રી એનાં અંગત જીવનમાં શું કરે છે એની સાથે સમાજને કોઈ લેવાદેવા નથી. માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે આ અભિનેત્રી પોતાનાં દેહનું જે રીતે માર્કેટિંગ કરે છે તે રોષ લાવનારું છે. જો એને અંગપ્રદર્શન કરવું હોય તો ચાર દિવાલની પાછળ કરવું જોઈએ. આ અભિનેત્રીને કદાચ ખબર નહીં હોય કે આ પ્રકારની ભાવનાત્મક હરકત કરીને તે સમાજમાં વિકૃતિને બળ પૂરું પાડે છે.’

ઉર્ફીએ જોકે ચિત્રા વાઘની ફરિયાદની અવગણના કરી છે અને સોશ્યલ મીડિયા માધ્યમથી એમને વળતું જણાવ્યું છે કે, ‘બળાત્કારની ઘટનાઓ માટે મારાં કપડાંને દોષ દેવો બહુ આસાન છે. મારી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમે એવી મહિલાઓને કેમ મદદ કરતાં નથી જેમને ખરેખર તમારી મદદની જરૂર છે. મહિલાઓનાં શિક્ષણ, બળાત્કારનાં લાખો પેન્ડિંગ કેસ… આ વિશે તમે કેમ કંઈ બોલતાં નથી?’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]