રોટરી ક્લબ ઓફ પોરબંદરનો ૯મો’અક્ષય કિટ’ વિતરણ-કાર્યક્રમ

પોરબંદરઃ તાજેતરમાં રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા “અક્ષય કિટ” વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. પોરબંદર જિલ્લામાં ટીબી (ક્ષય રોગ)ના આશરે ૩૪૨ જેટલા દર્દીઓ નોંધાયેલા છે.  જિલ્લા ટીબી કેન્દ્ર દ્વારા આ દર્દીઓને ફ્રી નિદાન અને દવાઓ આપવામાં આવે છે. ટીબીના દર્દીઓને દવા સાથે પોષણયુક્ત આહારની ખૂબ જ જરૂર હોય છે. આ દર્દીઓમાંથી ૫૪ દર્દીઓ પોષણયુક્ત આહારની વ્યવસ્થા કરવા માટે સક્ષમ ન હતા. ટીબીનાં આ દર્દીઓને સારવાર દરમિયાન ઉચ્ચ પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી “રોટરી ક્લબ ઓફ પોરબંદર” દ્વારા એમને પોષણયુક્ત આહારની આશરે ૩૧ કિલોગ્રામની રૂપિયા ૨૯૦૦/-ના મૂલ્યની એક એવી ૫૪ “અક્ષય કિટ” વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ટીબીના દર્દીઓ માટેનો આ પ્રોજેક્ટ સાલ ૨૦૧૮થી શરૂ કરવામાં આવેલો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા ૮ તબક્કામાં ૧૪ લાખ રૂપિયાની કુલ ૬૪૫ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.

“આ “અક્ષય કિટ” પ્રોજેક્ટને સફળતાપૂર્વક પાર પાડનાર પ્રોજેક્ટ ચેરમેન વિજય મજેઠીયા, પ્રમુખ કેતન પારેખ અને અન્ય સભ્યો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

મુખ્ય મહેમાન તરીકે રોટરી ડિસ્ટ્રીક્ટ ગવર્નર સંતોષ પ્રધાન, અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત કલેક્ટર અશોક શર્મા,  જિલ્લા પંચાયત પ્રમુખ મંજુ કારાવદરા, ડીડીઓ વિનોદ અડવાણી, ચીફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર ડો. કવિતા,  ડિસ્ટ્રીક્ટ ટી.બી ઓફિસર ડો. વી.એસ ધ્રુવે, ડિસ્ટ્રીક્ટ ટી.બી મેડિકલ ઓફિસર ડો.સીમા પોપટીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શરૂ કરવામાં આવેલા આ મહાયજ્ઞમાં આર્થિક સહયોગ રોટરી ક્લબના સભ્યો ઉપરાંત અન્ય દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવે છે. “રોટરી ક્લબ ઓફ પોરબંદર” ૧૯૫૯ની સાલથી જિલ્લામાં સામાજીક અને સેવા ક્ષેત્રે કાર્યરત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]