જ્યારે મોદીજી સ્ટેજ પર વ્યક્તિને પગે લાગ્યા

ઉન્નાવ (ઉત્તર પ્રદેશ): વિધાનસભાની ચૂંટણીના જ્યાં હાલ તબક્કા ચાલી રહ્યા છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં નેતાઓ દ્વારા હાલ ચૂંટણી રેલીઓનું આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ એમાં સામેલ છે. ઉન્નાવ શહેરમાં એવી એક રેલીમાં સ્ટેજ પર મોદી ભાજપના ઉન્નાવ જિલ્લાના પ્રમુખને પગે લાગ્યા હતા. એ ઘટનાનો વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ તે વિડિયો પોતાના ઈન્ટરનેટ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

વાત એમ છે કે, મોદીને આવકાર આપવા અને સમ્માન કરવા માટે એમને ભગવાન શ્રીરામની એક મૂર્તિ ભેટ આપવાનું ભાજપના જિલ્લા પ્રમુખ અવધેશ કટિયારને કહેવામાં આવ્યું હતું. સ્ટેજ પર કટિયારે મોદીને તે મૂર્તિ સુપરત કરી હતી. ત્યારબાદ એ મોદીને પગે લાગ્યા હતા, પરંતુ મોદીએ તરત જ વાંકા વળીને એમને ઉભા કર્યા હતા અને આંગળીના ઈશારે ના પાડીને કહ્યું કે એમણે આ રીતે પોતાને પગે લાગવું ન જોઈએ. બાદમાં, માન આપવાની વળતી ચેષ્ટારૂપે મોદી એ જિલ્લા પ્રમુખને પગે લાગ્યા હતા. સંબિત પાત્રાએ આ વિડિયોની કેપ્શનમાં લખ્યું છેઃ ‘પ્રધાનસેવક.’ આ વિડિયોને લાખો વખત જોવામાં આવ્યો છે અને હજારો લાઈક્સ મળ્યા છે.