રોપડા: લોકડાઉનમાં 56 દિવસથી ચાલતો ઓનલાઈન સમર કેમ્પ

અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાના આ નવતર પ્રયોગમાં મહત્તમ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓનું શેરીંગ પરિણામ લક્ષી પુરવાર થયું…અત્યારે દેશ સહિત સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારી અને તેની અસરો સામે ઝઝૂમી રહ્યો છે. ગુજરાત રાજયમાં પણ 22 માર્ચ થી લોકડાઉન અમલમાં મુકાયું હતું.

આ લોકડાઉનમાં અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાના આ નવતર પ્રયોગમાં જોતજોતામાં રાજ્યના 27 જિલ્લાના 1200થી વધુ વિદ્યાર્થીઓ અને ૩૦૦ શિક્ષકો તેમાં જોડાઇને શિક્ષણની સાથે સાથે અન્ય ઈતર પ્રવૃત્તિઓના અનુભવોનું આદાન પ્રદાન કરતા થયા છે.

આ અંગેની વિગતો આપતા રોપડા પ્રાથમિક શાળાના આચાર્ય નિશિથ આચાર્ય કહે છે કે, જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ અને પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ આખો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ‘બાળકો સાથે ગ્રુપ વોટ્સએપ કોલિંગ કરી ઓનલાઈન ભણવાનું શરૂ કર્યું અને રિવિઝન કરાવવાનું નક્કી કર્યું ત્યારબાદ અમદાવાદ જિલ્લાની પ્રાથમિક શાળા દ્વારા બાળકો માટે વિવિધ પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ અંગે આયોજન કરવાની સાથે સાથે ઓનલાઈન સમર કૅમ્પનો વિચાર પણ આવ્યો… અને તેની ચર્ચા અમારી રોપડા શાળાના વિધાર્થી પ્રતિક પ્રજાપતિ સાથે કરતા તેને વોટ્સએપ ગ્રુપ બનાવવાની જવાબદારી સોંપી…

સ્માર્ટફોનનો ઉપયોગ કરતા બાળકોના વાલીઓના નંબર ગ્રુપમાં એડ કરવાનું મોટું કાર્ય સોંપ્યું. આ કાર્યમાં શિક્ષકો પણ જોડાયા. 4 એપ્રિલથી સમર કેમ્પની શરૂઆત કરવા નિર્ણય લીધો. ધીરે ધીરે બે જ દિવસમાં ગુજરાતના અન્ય જિલ્લા પૈકી 256 થી વધુ મેમ્બર જોડાતા તેવા બીજા બે ગ્રુપ બનાવ્યા. આજ સુધીમાં 100 જેટલી વિવિધ પ્રવૃત્તિઓ સાથે પરિવારનો માળો અને BAPS સ્વામિનારાયણ દ્વારા પ્રગટ થયેલ અંકનો પણ સમાવેશ થયો.

બાળકોમાં સમગ્ર ક્ષેત્રે વિકાસ થાય તે માટે ચિત્ર , સંગીત, ડાંસ, અભિનય, રસોઈ શો, રંગોળી, ટાવર બનાવવા, આસન, યોગ, સુર્ય નમસ્કાર, કોરોના પોસ્ટર આર્ટ, અહેવાલ લેખન, વૈજ્ઞાનિક વિશે, હલ્દી કાર્ડ, બર્થ ડે કાર્ડ, પત્ર લેખન, પ્રશ્ન પરથી જવાબ અને જવાબ પરથી પ્રશ્ન , પેપર આર્ટ, ફિંગર આર્ટ, લીફ આર્ટ, વેસ્ટ માથી બેસ્ટ બનાવવું, વાર્તા લેખન, વાર્તા બનાવો, ચિત્ર વાર્તા, પઝલ, સેન્ડ આર્ટ, મુવી જોઈ પ્રશ્ન કથન, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, પિરામિડ રમત, બોટલ ગાર્ડન, ટી. એલ.એમ બનાવવું, ફ્લિપ બુક, કાવ્ય લેખન, પ્રશ્નોતરી, પ્રોજેકટ બેઝ લર્નિંગ, ભગવદગીતા શ્લોક, વગેરે જેવી 100 કરવા વધુ પ્રવૃત્તિઓ યોજવામાં આવી’.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના 27 જેટલા વિવિધ જિલ્લાના શિક્ષકો પણ આ ગ્રુપમાં જોડાયા છે. દરરોજ સવારે ૯:૦૦ કલાકે બાળકોને નવો ટાસ્ક આપવાનો અને તેને પૂરો કરવા જરૂરી સૂચનો આપવામાં આવે છે અને સાંજે ૪ કલાકે તેના ફોટોગ્રાફ વોટ્સએપ ગ્રુપમાં શેર કરાય છે. ત્યાર બાદ શેર કરેલ ફોટો પરથી ઘણું નવું જાણવા મળી રહ્યું છે. ત્યાર બાદ પ્રવૃત્તિ બાદ દરરોજ ધો. 3 થી 8 ના બાળકો માટે ઓનલાઈન ગૃહ કાર્ય યોજવામાં આવે છે. બાળકો લીંક દ્વારા અભ્યાસ કરી ટેસ્ટ આપી ચકાસણી કરી શકે છે. આમ બાળકોને ઘર બેઠા જ ઓનલાઈન શિક્ષણ સાથે સહભ્યાસીક પ્રવૃતિઓ આપવાનો બહોળો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આઇ.આઇ.એમ. અમદાવાદ અને ગાંધીનગર તથા અમદાવાદ સાથે અન્ય જિલ્લાના અધિકારી દ્વારા ખૂબ પ્રોત્સાહન મળ્યું છે.

અત્યારે બાળકો અવનવી પ્રવૃતિ સાથે સાથે વિવિધ ભાષાનું વ્યાકરણ અને શ્રીમદ્ ભગવદ્દગીતાના પાઠ શીખી રહ્યા છે. બાળકોએ પૂર્ણ કરેલ ગૃહ કાર્ય ના ફોટો મંગાવી ડીઝીટલ રીતે ચેક કરી કાર્યની નોંધ લેવાય છે. આ ઉપરાંત બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ગૂગલ મીટ, ગૂગલ કલાસરૂમ, ઝૂમ, અને શૈક્ષણિક વીડિયો બનાવી તેને યુ-ટ્યુબ પર અપલોડ કરી વિવિધ શૈક્ષણિક માધ્યમનો ઉપયોગ કરી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા કટિબદ્ધ બન્યા છે.