‘ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોનો રોમાંસ’ : ૩૫૦૦ અનોખા શબ્દોનું પુસ્તક

ચંદ્રકાંત બક્ષીના વાચકો એટલે કે ‘યાર બાદશાહો’નો વર્ગ બહોળો છે. ગુજરાતી સાહિત્યમાં એક એલગ અને બહોળો વર્ગ ચંદ્રકાંત બક્ષીના લેખનનો દિવાનો છે. બક્ષીબાબુના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. પરંતુ ચંદ્રકાંત બક્ષીના લેખનમાં એવાં કેટલાંય શબ્દો છે જે ગુજરાતી ભાષામાં પહેલાં ક્યારેય વપરાયા નથી. આવાં જ કેટલાંક શબ્દોને એક પુસ્તકનું સ્વરૂપ આપ્યુ છે સૂરતના મૌલિકાબેન દેરાસરી.

‘ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોનો રોમાંસ’ નામનું આ પુસ્તક જાન્યુઆરી મહિનામાં પ્રકાશિત થયુ છે. જેમાં મૌલિકાબેને બક્ષીબાબુના અનન્ય ગુજરાતી શબ્દોનું સંકલન કર્યું છે. આ પુસ્તકમાં બક્ષીબાબુના તમામ પુસ્તકોમાંથી, સંશોધન કરીને લગભગ 3500 જેટલા શબ્દો અને શબ્દપ્રયોગો અલગ તારવવામાં આવ્યા છે. એવા શબ્દો કે જે ગુજરાતી સાહિત્યમાં લગભગ સાવ પહેલીવાર પ્રયોજાયા છે. ચંદ્રકાંત બક્ષીના લખાણમાં આવા અનન્ય શબ્દો જ નહિ, આખેઆખાં વાક્યો પણ જોવા મળ્યાં છે, જે વાચકને અભિભૂત કરતાં રહે છે!

કોઈ લેખકના માત્ર શબ્દો અને શબ્દપ્રયોગો પર પુસ્તક બને એવી આ સાહિત્ય ક્ષેત્રે લગભગ પહેલી ઘટના છે. આવાં જ કેટલાંક શબ્દોની જો વાત કરીએ તો, નપુંસક રોષ, ખડખડ કંકાલ હસવું, નપુંસક સારાઈની બદબૂ, સલ્ફ્યુરિક મિજાજ, સંસ્કારીપણાનો અફીણી કૈફ, એસોર્ટેડ મહાનુભાવો, યાર બાદશાહો, લંગુરાવલોકન, ઉંધા તમાચા જેવી સાફ ભાષા, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ, રોટીવાદી લેખક, આગ જેવો ભડકતો મિજાજ વગેરે.

મૌલિકાબેનનું ચંદ્રકાંત બક્ષી વિશે કહેવું છે કે, “લગભગ ૧૫ વર્ષની ઉંમરથી કોમિક્સ અને વાર્તાઓ ઉપરાંત થોડા ગંભીર વાંચનની શરૂઆત કરી અને એ પણ ઓશોથી. કારણ કે ઘરમાં પિતાજી અને કાકા ઓશોને વાંચતા હતા. પરંતુ જ્યારથી ચંદ્રકાંત બક્ષીને વાંચવાના શરૂ કર્યા છે, પછી બીજા કોઈને વાંચવાની જરૂર જ પડી નથી.”

મૌલિકાબેને ગ્રેજ્યુએશન માઈક્રો બાયોલોજીમાં કર્યુ છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન લેબ ટેક્નોલોજીમાં કર્યુ છે. પરંતુ ગુજરાતી સાહિત્યમાં એટલો ઊંડો રસ છે કે વાંચન એમનું સતત ચાલુ રહેતું હોય છે. પરંતુ મૌલિકાબેનનું કહેવું છે કે, “મારા જીવનમાં ચંદ્રકાંત બક્ષી પહેલાંનું વાંચન અને ચંદ્રકાંત બક્ષી પછીનું વાંચન એ બંન્નેમાં ખૂબ જ અંતર રહેલું છે. પહેલાં તો જે હાથમાં આવ્યું એ વાંચ્યું, બધાં જ લેખકોને વાંચ્યા હતા. પરંતુ બક્ષીને વાંચ્યા બાદ પછી બીજા કોઈને વાંચવાની ઈચ્છા જ થઈ નથી. એમણે જે મારા જીવનમાં અને મારા મગજ પર છાપ પાડી તે ખૂબ જ જબરદસ્ત આજે પણ છે. બક્ષીબાબુને જેમ-જેમ વાંચ્યા એમ-એમ જીવન બક્ષીમય બની ગયું. એમની જે વાતો તેમના લખાણમાં હતી તે ધીમે-ધીમે જીવનમાં ઉતરતી ગઈ. આમ તો કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ માણસની સાથે જ જાય. પરંતુ મારા જીવનમાં મારી પ્રકૃતિ બક્ષીબાબુને વાંચ્યા બાદ ખૂબ જ બદલાય ગઈ છે. મારી પ્રકૃતિ તો શાંત રહી પણ મિજાજ ક્રાંતિકારી બની ગયો છે. દુનિયા જોવાનો મારો નજરિયો બદલાય ગયો છે.”

મૌલિકાબેને ‘ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોનો રોમાંસ’ પુસ્તક લખવા માટે બક્ષીના તમામત 250થી વધુ પુસ્તકો ફરી વાંચ્યા. આ પુસ્તકો મેળવવા માટે મૌલિકાબેન અલગ-અલગ જગ્યાએ ફર્યા, રખડ્યા અનેક મથામણો પછી બક્ષીના તમામ પુસ્તકો મેળવ્યા છે. સૂરતની સરકારી લાયબ્રેરી, નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરી, બક્ષીના ચાહકો, બક્ષી ફેન ક્લબ એવી અનેક જગ્યાઓથી મૌલિકાબેને પુસ્તકો એકત્ર કર્યા હતા અને ‘ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોનો રોમાંસ’નો જન્મ થયો.

(રાધિકા રાઓલ, અમદાવાદ)

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)