રો રો ફેરી સર્વિસ: અડચણોનો અંત નથી, મધદરિયે ફસાયું જહાજ

અમદાવાદ- રો રો ફેરી સર્વિસની મુશ્કેલીમાં ઘટાડો થવાનું નામ નથી લેતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ ઘણાં બધાં અવરોધો વચ્ચે ગત તારીખ 22 સપ્ટેમ્બરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં હસ્તે ફરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે ફરીથી આ રોરો ફેરી ચર્ચામાં આવી છે. રો રો ફેરીનું જહાજ આજે મધદરિયે બંધ પડ્યું હતું. પેસેન્જર અને વાહનો ભરેલું જહાજ ટેકનિકલ ક્ષતિના કારણે બંધ પડી જતાં તેમાં સવાર મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા હતાં.

વિડીયો કર્ટસીઃ હર્ષ ઘ્રાંગધરિયા

ઘોઘાથી 3 નોટિકલ માઈલના અંતરે રો પેક્સ ફેરી વોયેજ સિમ્ફની ટેકનિકલ ક્ષતિના કારણે ફસાયું હતું.  વોએજ સિમ્ફોની નામનું જહાજ 461 જેટલા મુસાફરો સાથે મધદરિયે ફસાતાં ટગ બોટ દ્વારા ઘોઘા લાવવાના પ્રયાસો હાથ ધરાયાં છે.

રોરો ફેરી સર્વિસનું જહાજ ફસાવાને લઇને આજની સાંજની પાંચ વાગ્યાની ફેરી અને વળતી ફેરી રદ કરવામાં આવી છે. 461 પ્રવાસીઓને અન્ય વ્યવસ્થા કરી સલામતપણે અલંગ લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટેકનિકલ ક્ષતિને કારણે જહાજને થોભાવી દેવાયું હતું.

ઉલ્લેખનીય છે કે, આ જહાજમાં 60 જેટલી ટ્રક, 35 બસ સાથે 525 જેટલા પેસેન્જરો દિવસમાં ત્રણ વખત દહેજથી ઘોઘા અને ઘોઘાથી દહેજ આવન જાવન કરી શકશે. ભાવનગરથી દહેજ વચ્ચે જમીન માર્ગે અંતર 6 કલાકથી પણ વધુ છે. પરંતુ દરિયાઈ માર્ગે આ અંતર અને સમય ઘણો જ ઘટી જાય છે. રો રો ફેરીમાં ટ્રક, બસ, મોટર, કાર, બાઈકને લઈ જઈ શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

રો રો ફેરીમાં ગુડ્ઝની સાથેસાથે પ્રવાસીઓ માટે ત્રણ પ્રકારની કેટેગરી રાખવામાં આવી છે. જેમાં બિઝનેસ કલાસ,એક્ઝિક્યૂટિવ કલાસ, ઇકોનોમિ કલાસનો સમાવેશ થાય છે. ઘોઘાથી દહેજ વચ્ચેનું 32 નોટીમાઈલનું અંતર આ જહાજ માત્ર એક કલાકમાં જ પૂરૂ કરી શકે છે. જેને કારણે સમય અને નાણાનો બચાવ થશે. આજરોજ આ જહાજ ટેકનિકલ ખામીને કારણે મધ દરિયે જ ખોટકાઈ પડ્યું હતું.