ભારતમાં આવતા માર્ચ સુધીમાં 50 ટકા એટીએમ બંધ થવાની સંભાવના

મુંબઈ – ઓટોમેટેડ ટેલર મશીન્સ (એટીએમ) ઓપરેટ કરવાની અમુક કામગીરીઓ સંભવ થતી ન હોવાને કારણે 2019ના માર્ચ સુધીમાં ભારતમાં લગભગ 50 ટકા જેટલા એટીએમ કદાચ બંધ થશે એવું કોન્ફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી (CATMi) તરફથી ચેતવણી આપવામાં આવી છે.

જો ખરેખર 50 ટકા એટીએમ બંધ થઈ જશે તો ભારતમાં શહેરી તેમજ ગ્રામીણ, બંને સ્તરે લોકોને મુશ્કેલી પડશે.
હાલ ભારતમાં આશરે 2,38,000 એટીએમ છે. એમાંના આશરે 1,13,000 એટીએમ બંધ થઈ જાય એવી સંભાવના છે.

આ 1,13,000 એટીએમમાં એક લાખ એટીએમ ઓફ્ફ-સાઈટ છે, એટલે કે પહોંચી ન શકાય એવા દૂરના વિસ્તારોમાં છે અને 15,000 વ્હાઈટ લેબલ (ખાનગી કંપનીઓને પરવાનગી અપાયેલા) એટીએમ છે.

જો આટલા બધા એટીએમ બંધ થઈ જશે તો પ્રધાન મંત્રી જન ધન યોજના હેઠળના લાખો લાભાર્થીઓને માઠી અસર પડશે, જેઓ એટીએમ મારફત રોકડના રૂપમાં એમની સબ્સિડીની રકમ ઉપાડતા હોય છે.

તદુપરાંત, શહેરી કેન્દ્રોમાં પણ એટીએમ ખાતે લોકોની લાંબી લાઈન લાગશે અને અંધાધૂંધી ફેલાઈ જશે, જેવી સ્થિતિ નોટબંધી લાગુ કરાયા બાદ થઈ હતી.

એટીએમ આટલી મોટી સંખ્યામાં બંધ થશે તો ઉદ્યોગમાં ઘણાય લોકો નોકરી પણ ગુમાવશે. એને પગલે સમગ્ર અર્થતંત્રમાં નાણાકીય સેવાઓને મોટો ફટકો પડશે.

એટીએમ મશીનોમાં હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડ કરવા માટે રેગ્યૂલેટર તરફથી જાહેર કરવામાં આવેલી કેટલીક માર્ગદર્શિકાઓને કારણે પણ ઘણા એટીએમ બંધ કરવાની નોબત આવે એમ છે.

કેશ મેનેજમેન્ટને લગતા નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર તથા બેન્કમાંથી જે તે એટીએમમાં કેશ ભરવાની કેસેટ સ્વેપ પદ્ધતિને લગતા નિયમોને તાજેતરમાં કડક બનાવી દેવામાં આવતા ઘણા એટીએમને ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે.