રવી પાક માટે દૈનિક 19,920 ક્યૂસેક પાણી છોડાયું, પાણી ચોરીની 37 ઘટનામાં કાર્યવાહી

ગાંધીનગરઃ  રવી પાક માટે ખેડૂતોએ બધી તૈયારીઓ કરી લીધી છે અને તંત્ર દ્વારા પાણી ન હોવાના પરિપત્ર મોકલવામાં આવ્યાં હતાં તેવામાં ખેડૂતોનો રોષ વ્યાપક બને તે પહેલાં સરકારે રવી સિઝન માટે સરદાર સરોવર યોજનાના કમાન્ડ વિસ્તારમાં દૈનિક ૧૯૯૨૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ જાણકારી નાયબ મુખ્‍યપ્રધાન નિતીનભાઈ પટેલે આપી હતી. સાથે જ બિન અધિકૃત રીતે પાણીનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.:૩૭ પોલિસ ફરિયાદ નોંધાઇ છે.

સરકારે રવિ સિઝન અંતર્ગત ખેડુતોને સિંચાઇ માટે પાણી આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. તે મુજબ ૧૨ નવેમ્બરથી દૈનિક ૧૯૯૨૦ ક્યુસેક પાણી મુખ્ય નહેર મારફત તમામ ૩૯ શાખાઓમાં છોડવામાં આવી રહ્યુ છે.પટેલે ઉમેર્યુ કે ચાલુ સાલે સરદાર સરોવર યોજનાના કમાન્ડ વિસ્તારની તમામ શાખા નહેરોમાં રવી સિંચાઇ માટે પાણી આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ હતું તે મુજબ પાણી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલમાં ડેમમાંથી મુખ્ય નહેર મારફતે ૧૯૯૨૦ કયૂસેક પાણી યોજનાની તમામ ૩૯ શાખા નહેરોમાં સિંચાઇ માટે છોડવામાં આવી રહ્યુ છે. જે છેવાડા વિસ્તાર સુધી પંહોચી ગયુ છે. બાકી રહેતી ૧૦૦ કિ.મી.કરતાં વધુ લંબાઇ ધરાવતી ૬ શાખા નહેરોમાં પણ સત્વરે પાણી પહોંચાડવાના પૂરતા પ્રયાસો રાજ્ય સરકારદ્ વારા કરવામાં આવી રહ્યા છે.

હક્ક ધરાવતા ખેડૂતોને સમયસર પાણી આપી શકાય તે માટે શાખા નહેરો અને વિશાખા નહેરોમાં ગેરકાયદે-બિનઅધિકૃત રીતે પાણી લેતા વ્યક્તિઓ વિરુદ્ધ કડકાઇથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મોરબી, ઘ્રાંગધ્રા અને માળીયા બ્રાન્ચ પર પાણી ચોરી અટકાવવા પોલિસ પહેરો પણ ગોઠવવામાં આવ્યો છે.નહેર, દરવાજા જેવી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી ગેરકાયદે રીતે પાણી લેતા વ્યક્તિઓ વિરુદ્ધ ૩૭ જ્ગ્યા પર પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ધ્રાંગ્રધા શાખા નહેરમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે સાયફન પાસેથી બિનઅધિકૃત પાણી લઇ ખારી નદીમાં પાણી વહેવડાવી પાણીનો બગાડ કરતા વ્યક્તિઓ વિરદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]