નર્મદામાં સૌપ્રથમવાર રિવર રાફટિંગ શરુ, કેવડીયા પ્રવાસમાં નવા આકર્ષણ ઉમેરાયાં

અમદાવાદ- ગુજરાતના એડવેન્ચર્સના શોખીન લોકો માટે રિવર રાફ્ટીંગ કરવાની કોઈ તક ન હતી. પરંતુ રિવર રાફ્ટીંગ કરવાનો મોકો હવે તેઓને ઘરઆંગણે જ મળી રહેવાનો છે.  મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. આગામી 1 સપ્ટેમ્બરથી રીવર રાફટિંગની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે.

 

વિજય રૂપાણીએ જણાવ્યું કે દુનિયાભરમાં રીવર રાફટિંગ ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વના પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે ત્યારે ખલવાની ઇકો ટુરિઝમ સેન્ટરની આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે. આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતોની મદદથી કરવામાં આવ્યો છે.

આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠો શીખશે. આ ઉપરાંત આ જગ્યા જંગલોથી ઘેરાયેલી છે એટલે પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર પણ બનશે. નદીના વળાંકોને લીધે રાફટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, જિઓના સહયોગથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી Wifi સેવા શરૂ કરવામાં આવી છે. અહીં વિશ્વ વન ઉછેરવામાં આવી રહ્યું છે જેમાં વિશ્વ આખાના વનસ્પતિ વૈવિદ્યનો ઉછેર કરાશે, જંગલ સફારીમાં જીરાફ અને ગેંડા(rhino) સહિતનું પ્રાણી વૈવિધ્ય જોવા મળશે.

પતંગિયા ઉદ્યાનમાં રંગબેરંગી પતંગિયાના આનંદ દર્શન થશે…

કેક્ટસ ગાર્ડનમાં મનમોહક કેક્ટસ જોવા મળશે. અહીં ટપક સિંચાઈથી વન ઉછેરવામાં આવી રહ્યું છે.કાયમ માટે અદભૂત રાત્રુ પ્રકાશ વ્યવસ્થા કરાશે જેના લીધે પ્રવાસીઓ કેવડીયાનું રાત્રિ દર્શન કરી શકશે. 15મી ઓક્ટોબર સુધીમાં કેવડીયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવવાની નેમ છે.

વિશ્વ કક્ષાના બનનારા પ્રવાસન ધામમાં પ્રવાસીઓ બાળકો સાથે સહપરિવાર આવે અને 3 દિવસનું રોકાણ કરી વિવિધતાસભર પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે મુખ્યપ્રધાને જંગલ સફારીના વિકાસનું નિરીક્ષણ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]