ગાંધીનગર: BSF ભરતી પરીક્ષામાં છેતરપિંડી આચરનાર 14 લોકોની ધરપકડ

અમદાવાદ- દેશની અતિ મહત્વની ગણાતી બોર્ડર સિક્યોરીટી ફોર્સમાં કોન્સ્ટેબલની ભરતીમાં નવું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગર કેમ્પ ખાતે કોન્સ્ટેબલની ભરતી અંગે યોજવામાં આવેલી શારીરિક કસોટી દરમિયાન આવેલા ઉમેદવારો પૈકી 15 ઉમેદવારોની જગ્યાએ લેખિત પરીક્ષા અન્ય કોઈ વ્યક્તિઓએ આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

અધિકારીઓ દ્વારા લેવામાં આવેલી ફિંગર પ્રિન્ટ દરમિયાન આ કૌભાંડ સામે આવ્યું છે. બીએસએફના અધિકારીની ફરિયાદના પગલે ચીલોડા પોલીસે રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરપ્રદેશના 14 ઉમેદવારોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. એક ઉમેદવાર પોલીસની પકડથી દૂર છે. આ ઉમેદવારોએ કોના થકી બોગસ વ્યક્તિઓ દ્વારા લેખિત પરીક્ષા આપી હતી તે જાણવા પોલીસે મથામણ શરૂ કરી છે.

દેશની સીમાડાઓની સુરક્ષા કરતી બોર્ડર સિકયોરીટી ફોર્સમાં તાજેતરમાં જ કોન્સ્ટેબલની ભરતી બહાર પાડવામાં આવી હતી. જેની દેશના અલગ અલગ સ્થળોએ ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે મુખ્ય સેન્ટરો ઉપર આ ઉમેદવારોની ગત તા.13 ઓગસ્ટના રોજ શારીરિક કસોટી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે શારીરિક કસોટી આપવા આવેલા આ ઉમેદવારોની ફિંગર પ્રિન્ટ પણ લેવામાં આવતી હતી.

જેથી ગાંધીનગરના બીએસએફ કેમ્પ ખાતે આ શારીરિક કસોટી આપવા આવેલા 15 જેટલા ઉમેદવારોની ફિંગર પ્રિન્ટ લેખિત પરીક્ષામાં લેવાયેલી ફિંગર પ્રિન્ટ સાથે નહીં મળતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતાં. આ ઉમેદવારોને બાજુમાં બેસાડી તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમાં કોઈ અન્ય વ્યક્તિઓને લેખિત પરીક્ષામાં બેસાડ્યાનું ખુલ્યું હતું.

જેના પગલે બીએસએફની 154 બટાલીયનના કમાન્ડર મનજીતસિંહની ફરિયાદના આધારે ચીલોડા પોલીસે આ 15 ઉમેદવારો સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે જેમાં હકમુદીન ખુશીલાખાન મુસ્લીમ રહે.શીહોણા અલવર રાજસ્થાન, રાહુલ મોકમસીન જાટ રહે.માનોતાકલા અલવર રાજસ્થાન, ધનેશકુમાર ભગવાનસિંહ ગોચર રહે.નંદવાઈ ભરતપુર રાજસ્થાન, ધરમવીર શ્રીરામ ગુર્જર રહે.નાગરસોઢા મહેન્દ્રગઢ હરિયાણા, વીરેન્દ્રસિંહ ભોલારામ યાદવ રહે.નાગરમુનીયા મહેન્દ્રગઢ હરીયાણા, રાહુલ મહેશચંદ્ર જાટ રહે.અલવર રાજસ્થાન, યોગેશકુમાર દીવાનસિંહ જાટ રહે.

જગીનાગામ ભરતપુર રાજસ્થાન, જગવીર શ્રીમાન ગુર્જર રહે.ચાંદપુર અલવર રાજસ્થાન, હંસરાજ જગદીશ ગુર્જર રહે.નાગરચૌધરી મહેન્દ્રગઢ હરીયાણા, મહેશકુમાર નંદરામ જાટ રહે.અલવર રાજસ્થાન, પુષ્પેન્દ્રસિંહ શીયારામ રહે.તેલમંડી અલવર રાજસ્થાન, શૌકીન કમરુદીન ફકીર રહે.મવર અલવર રાજસ્થાન, મોહીદકુમાર નિરંજના જાટ લાલપુર, મથુરા ઉત્તરપ્રદેશ, અતુલ મદનમોહન શર્મા રહે.જાવલી અલવર રાજસ્થાન, સુનિલ રામઅવતાર રાવતનો સમાવેશ થાય છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]