રાજ્યમાં ખરો ચૂંટણીજંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેઃ ગહેલોત

વડોદરાઃ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત રાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રવેશને બહુ મહત્ત્વ નહીં આપતાં દાવો કર્યો હતો કે ખરો ચૂંટણી જંગ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે થશે. ડિસેમ્બર સુધીમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસની જીતનો હુંકાર ભરતાં કહ્યું હતું કે લોકો ગુજરાત મોડલનું ખોખલાપણું હવે સમજી ચૂક્યા છે. આ મોડલ હવે બેનકાબ થઈ ચૂક્યું છે અને લોકો હવે કોંગ્રેસને એક તક આપવા ઇચ્છે છે.

તેમણે કહ્યું હતું કે અમને રાજ્યમાં આપના પ્રવેશથી ચિંતિત નથી. કોંગ્રેસ ગુજરાતમાં બહુ મજબૂત છે. અમે આ વખતે ભાજપને બરાબરની ટક્કર આપીશું. કોંગ્રેસ રાજ્યમાં જો આગામી સરકાર બનાવશે તો મને આશ્ચર્ય નહીં થાય, એમ તેમણે કહ્યું હતું.

તેમણે પક્ષના ઉત્તર ગુજરાતના નેતાઓની સાથે બેઠક કરતાં પહેલાં કહ્યું હતું કે વર્ષ 2017માં અમે ગુજરાતમાં માત્ર થોડીક સીટોનો આંકડો પાર નહોતા કરી શક્યા. આ વખતે અમે ભાજપને ટક્કર આપીશું અને અસરકારક ચૂંટણીપ્રચાર કરીશું.

રાજ્યમાં માદક પદાર્થ જપ્ત કરવા વિશે તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધીના જન્મસ્થળ હોવા છતાં ગુજરાતમાં દારૂ અને માદક પદાર્થ  ખુલ્લેઆમ મળી રહ્યા છે. ગહેલોત રાજ્યની બે દિવસની મુલાકાતે છે, જે દરમ્યાન તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજશે. જોકે તેઓ એ પછી દિલ્હી રવાના થશે.