રાજકોટ: ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધા (રાધિકા ધામેચા) એ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. શહેરમાં માતા-પિતાથી અલગ રહેતી અને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ બનેલી તોફાની રાધા એટલે કે રાધિકા ધામેચા (ઉ.વ.26) ગઈકાલે રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, આપઘાત કરતા પહેલા એટલે કે ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ‘પના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ’ ડાયલોગ સાથે સ્ટેટ્સ મૂક્યું હતું અને પિતાને પણ ફોન કરી હું જાઉં છું કહી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. જો કે, આપઘાતનું ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ શહેરના રૈયા રોડ પર એકલી રહેતી રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉ.વ.26) જે ઇન્સ્ટાગ્રામમાં તોફાની રાધા નામથી પોતાના કોન્ટેન્ટથી ફેમસ બની હતી. યુવતીએ ગઈકાલે રાત્રિના ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા રાધિકાએ તેના પિતાને ફોન કરી હું જાઉં છું કહ્યું હતું જેથી પિતાને અજુક્તું લાગતા તેઓ તુરંત રાધિકા જ્યાં રહેતી હતી ત્યાં પહોંચ્યા હતા. જો કે, ત્યાં પહોંચતા રાધિકા ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જેને નીચે ઉતારી હોસ્પિટલ ખેસડવામાં આવી હતી, પરંતુ તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બનાવ અંગેની જાણ યુનિવર્સીટી પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોઅમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રાધિકાના ઇન્સ્ટાગ્રામમાં 42,800થી વધુ ફોલોઅર્સ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે 7 વાગ્યે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજમાં એક સ્ટેટ્સ મૂક્યું હતું. જેમાં ફિલ્મ અભિનેતા દ્વારા ડાયલોગ બોલવામાં આવે છે કે ‘હર એક કી ઝીંદગી મેં એક સમય આતા હૈ, જબ ઉસે ફેંસલા કરના પડતા હૈ કી પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હે’.
