રાજકોટ બેઠક પરથી સીએમ રુપાણી, કોંગ્રેસના ઇન્દ્રનિલ રાજ્યગુરુએ ફોર્મ ભર્યાં, બંનેને જીતનો વિશ્વાસ

રાજકોટ- વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે સૌરાષ્ટ્રભરમાં કોંગ્રેસ,ભાજપ અને અન્ય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોએ પોતાના નામાંકનપત્ર ભર્યા હતાં. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યાંથી ચૂંટણી લડી રહ્યાં છે એ 69 રાજકોટ પશ્ચિમ બેઠક પરથી એમણે અને એમના સીધા પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર, વર્તમાન ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પણ ઉમેદવારી નોંધાવી હતી. બંને પક્ષે જોરદાર શક્તિપ્રદર્શન થયું હતું. ભાજપના ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્ર્મમાં કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલી ઉપસ્થિત રહ્યાં હતાં. કોંગ્રેસે પણ અગાઉ ક્યારેય ન કર્યો હોય એવો દબદબો આજે ફોર્મ ભરતા પહેલાં કર્યો હતો.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટની અન્ય 3 બેઠક- 68 રાજકોટ પૂર્વ, 70 રાજકોટ દક્ષિણ અને 71 રાજકોટ ગ્રામ્યના ઉમેદવારોએ શહેરના રેસકોર્સની સામે બહુમાળી ભવન પાસે આવેલી સરદાર વલ્લ્ભ્ભઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. રાજકોટ-સૌરાષ્ટ્રના અનેક ધર્મસ્થાનોના સંતો,મહંતો,જૈન સાધુઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા અને વિજયભાઈ રૂપાણી તથા ભાજપને જીતના આશીર્વાદ આપ્યા હતા. ઉમેદવારીપત્ર ભરવા પહેલાની જાહેરસભા પૂર્વે વિજયભાઈ સ્વામિનારાયણ મંદિર,માંડવીચોક દેરાસર,મોટી હવેલી,રણછોડદાસજી બાપુના આશ્રમ સહિતના ધાર્મિક સ્થળો પર ગયાં હતા. લોકગીતો,ડીજે,રાસ ગરબા,ભાંગડાના ક્લાકારો એમના સરઘસમાં જોડાયા હતા.

ઉપસ્થિત હજારો કાર્યકરોને કેન્દ્રીયપ્રધાન અરુણ જેટલી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉદબોધન કરી ભાજપને 150 બેઠકો મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જૂની ક્લેક્ટર ઓફિસે જઈને ફોર્મ ભર્યું હતું.

સામે કોંગ્રેસના ઉમેદવાર, રાજકોટ પૂર્વના વર્તમાન ધારાસભ્ય અને મુખ્યપ્રધાન સામે ચૂટણી લડવાનો પડકાર ઝીલનાર ઇન્દ્રનિલ રાજ્યગુરુએ ફોર્મ ભરતા પહેલા તેમના નિવાસસ્થાને શિવજીની પૂજા કરી હતી. આ સમયે એમનો પરિવાર પણ સાથે રહયો હતો. આ સમયે ચિત્રલેખા સાથે વાત કરતા તેમણે જણાવ્યું  હતું કે રાજકોટ પશ્ચિમ બેઠકે અત્યાર સુધીમાં ગુજરાતના રાજકારણમાં બે મુખ્યપ્રધાન, એક નાણાંપ્રધાન સહિતના દિગ્ગજ નેતા આપ્યાં છે પણ રાજકોટનો વિકાસ હજુ અમદાવાદ અને વડોદરા જેટલો નથી થયો . આજ મુદ્દે હું ચૂટણી  લડી રહ્યો છું. શિવજીના આશીર્વાદ મેળવ્યા બાદ રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ પર ઇન્દિરા સર્કલે ઇન્દિરાજીની પ્રતિમાને હારતોરા કર્યા હતા. કિસાનપરા ચોક ખાતે વિશાળ જાહેરસભા સંબોધીને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. છેલ્લી 4 ચૂંટણીમાં ક્યારેય ન દેખાયેલો ઉત્સાહ આ વખતે કોંગ્રેસનાં કાર્યકરોમાં જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સૌરાષ્ટ્રમાં ધોરાજી,ગોંડલ,ભાવનગર,જામનગર,જૂનાગઢ,વાંકાનેર સહિતના મતવિસ્તારોમાં આજે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આજથી હવે આખા રાજ્યની સાથે સૌરાષ્ટ્ર પણ રાજકીય રંગમાં આવી ગયું છે.

(ઉમેદવારીપત્ર ભરવાની પૂર્વસંધ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ‘ચિત્રલેખા’ સાથેની આ છે, એક્સક્લુઝિવ મુલાકાત…)

httpss://youtu.be/rSJGncGk46U

(વિજય રૂપાણીની સામે રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનિલ રાજ્યગુરુની ‘ચિત્રલેખા’ સાથેની એક્સક્લુઝિવ મુલાકાત…)

httpss://youtu.be/UTPNABu9Gv4

(અહેવાલઃ જ્વલંત છાયા અને જીતેન્દ્ર રાદડિયા)

(તસવીરો તથા વિડિયોગ્રાફીઃ નીશુ કાચા)