સૂરતમાં ચૂંટણી ટિકિટોની વહેંચણી મામલે PAAS-કોંગ્રેસના પટેલો વચ્ચે મારામારી

સૂરત – ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારો માટે કરેલી ટિકિટોની વહેંચણી મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કાર્યકર્તાઓ નારાજ થયા છે અને અનેક સ્થળે PAAS તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ છે.

રવિવારનો દિવસ આ પક્ષો માટે મિશ્ર પ્રત્યાઘાત જેવો બની રહ્યો હતો. સાંજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એવી જાહેરાત કરી હતી કે કોંગ્રેસ અને PAAS વચ્ચે સમજૂતી થઈ છે. કોંગ્રેસે PAASના નેતાઓના મુદ્દાઓને સ્વીકારી લીધા છે.

અન્ય ગુજરાત કોંગ્રેસી નેતા સિદ્ધાર્થ પટેલે પણ કહ્યું હતું કે, PAASના નેતાઓએ ઉમેદવારો માટે ટિકિટોની માગણી કરી નથી. તે છતાં પાટીદાર સંગઠનમાંથી અમુક સારા ઉમેદવારોને ચૂંટણીની ટિકિટ આપવામાં આવશે.

પરંતુ, મોડી રાતે PAASના પટેલો અને કોંગ્રેસના પટેલ કાર્યકરો વચ્ચે મારામારી થવાની ઘટના બની હતી. સુરતના વરાછા રોડ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રફુલ તોગડિયાની ઓફિસ પર PAASના કાર્યકરોએ તોડફોડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ચૂંટણી માટે તેના ૭૭ ઉમેદવારોની પહેલી યાદી ગઈ કાલે રાતે જાહેર કરી હતી.

PAASના નેતાઓ પાંચ બેઠકો પર ચૂંટણી લડવા સહમત થયા હતા, પણ કોંગ્રેસે યાદી બહાર પાડી ત્યારે એમાં PAASના બે જ નેતાના નામ હતા – લલિત વસોયા (ધોરાજી-રાજકોટ) અને અમિત ઠુમર (જૂનાગઢ).

PAASના કાર્યકર્તાઓએ મચાવેલા તોફાનને પગલે સુરતમાં કોંગ્રેસના કાર્યાલયની બહાર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શહેરના કતારગામ, સુરત ઉત્તર, વરાછા, કામરેજમાં પોલીસનો કડક બંદોબસ્ત છે.

બીજી બાજુ, કોંગ્રેસમાં પણ ટિકિટોની વહેંચણીના મામલે કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. સુરતમાં કોંગ્રેસના જ કાર્યકરો એમના પક્ષના નેતાઓ પર રોષે ભરાયા છે. એમણે પક્ષના નેતા તુષાર ચૌધરીનું પૂતળું બાળ્યું હતું.

અમુક અહેવાલો અનુસાર, અમદાવાદ અને ભાવનગરમાં પણ કોંગ્રેસ તથા PAASના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના બનાવો બન્યા છે.

ભરતસિંહ સોલંકી કોઈક અજ્ઞાત સ્થળે જતા રહ્યા છે.

PAASના નેતાઓનો દાવો છે કે ટિકિટોની વહેંચણીમાં એમની અવગણના કરવામાં આવી છે. સુરત PAAS સંયોજક ધાર્મિક માલવીયાનું કહેવું હતું કે જ્યાં સુધી ટિકિટોની વહેંચણીમાં PAASને યોગ્ય હિસ્સો આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે સુરતમાં કોંગ્રેસના કાર્યાલયમાં કામ ચાલવા નહીં દઈએ.

PAASના સહ-સંયોજક દિનેશ બાંભણીયાએ કહ્યું કે કોંગ્રેસે PAASની કોર કમિટીના સભ્યો સાથે ચર્ચા કર્યા વગર જ PAASના સભ્યોને ટિકિયો આપી દીધી છે. અમે એની સામે કોંગ્રેસના કાર્યાલયો પર હુમલા કરીને અમારો વિરોધ નોંધાવી રહ્યા છીએ.

કોંગ્રેસ અને PAAS વચ્ચે થયેલી સમજૂતીની સત્તાવાર જાહેરાત કરવાનું કામ કોંગ્રેસે PAASના નેતા હાર્દિક પટેલ પર છોડ્યું છે. ભરતસિંહ સોલંકીએ ગઈ કાલે કહ્યું હતું કે હાર્દિક પટેલ સોમવારે રાજકોટમાં આ જાહેરાત કરશે. પરંતુ, મોડી રાતે એવો અહેવાલ હતો કે હાર્દિક પટેલનો રાજકોટ નજીકના ગોંડલમાંનો કાર્યક્રમ રદ થયો છે.

સૂત્રોનું કહેવું છે કે અગાઉ PAASની માગણી ૯ બેઠકો ફાળવવા માટેની હતી, પણ હાર્દિક પટેલની કથિત સેક્સ સીડી બહાર આવ્યા બાદ PAASને કોંગ્રેસ સાથે બાંધછોડ કરવી પડી હતી અને એ સાત બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર છે.

પાટીદારો ભાજપની વિરુદ્ધમાં આવ્યા હોવાથી એમના અસંતોષમાંથી લાભ લઈને ગુજરાતની ચૂંટણીમાં ફાયદો મેળવવાનો કોંગ્રેસનો પ્લાન છે, પરંતુ ગઈ કાલે રાતે કોંગ્રેસ અને PAASના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીએ નવો જ વળાંક લીધો છે.

ગુજરાતની કુલ વસ્તીમાં પાટીદારો 14 ટકા જેટલા છે.

httpss://twitter.com/ANI/status/932424910697140224