સુરતમાં રાજસ્થાન સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, 12000 બહેનોએ ઘુમ્મર કરી બનાવ્યો રેકોર્ડ

સુરત શહેર રાજસ્થાનના રંગમાં રંગાયું હતું જ્યાં રાજસ્થાન સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન 12,000થી વધુ માતા-દીકરીઓએ એકસાથે પરંપરાગત ઘુમ્મર નૃત્ય કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. આ ભવ્ય આયોજન ગોડાદરા વિસ્તારમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મરુધર મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ નૃત્યમાં 5 વર્ષની બાળકીઓથી લઈને 80 વર્ષના વૃદ્ધો સુધીના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને અનોખું વાતાવરણ સર્જ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા સુરતે બે રેકોર્ડ્સ હાંસલ કર્યા હતા, જેમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન અને ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. આ પહેલાં જયપુરમાં 6,000 મહિલાઓએ ઘુમ્મર નૃત્ય કરીને રેકોર્ડ સ્થાપ્યો હતો, જેને સુરતે તોડી નાખ્યો છે. રાજસ્થાની સમાજના લોકો, જેઓ વર્ષોથી સુરતમાં વસે છે અને ખાસ કરીને કાપડ માર્કેટ સાથે સંકળાયેલા છે, તેમણે પોતાના વતનની સંસ્કૃતિને જીવંત રાખીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.

ગુજરાતના ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ એટલે પરંપરાગત ઘુમ્મર નૃત્ય, જે રાજસ્થાની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. સુરતમાં રહેતા રાજસ્થાની સમાજે વતનથી દૂર હોવા છતાં પોતાની પરંપરાઓને જીવંત રાખીને આ ભવ્ય ઉજવણી કરી હતી. આ કાર્યક્રમે રાજસ્થાનના સ્થાપના દિવસને યાદગાર બનાવી દીધો અને સમગ્ર વિશ્વમાં રાજસ્થાની સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.