અમદાવાદઃ હવામાન વિભાગે જણાવ્યાનુસાર વાવાઝોડું બિપરજોય હવે નબળું પડી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. હાલમાં વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ જઈ રહ્યું છે અને રાજસ્થાનના બાડમેરથી દક્ષિણ દિશાએ 70થી 80 કિમી દૂર છે. આ વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ હજુ પણ તેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ગત રાત્રે અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત 200 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાતના પાલનપુર, પાટણ, રાધનપુર, સાબરકાંઠા અને મહેસાણા જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થતાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડો. મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યા અનુસાર વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.
રાજ્યમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં માંડવીમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત છેલ્લા 30 કલાકમાં દ્વારકામાં અનરાધાર નવ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને કારણે અનેક નદી-નાળા છલકાયા છે. ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટનો આજી-2 ડેમ છલકાયા બાદ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે અને હજુ પણ 14 દરવાજા ખોલવામાં આવશે.
અમદાવાદના ધોળકામાં ગઈ કાલથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. સુરેન્દ્રનગરમાં રાત્રે ચુડા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ચુડા, મોજીદડ, કારોલ, છત્રીયાળા અને ભગુપુર સહિતનાં અનેક ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો.