રથયાત્રા પૂર્વે જર્જરિત મકાનો અંગે પોલીસની અનોખી સેવા

અમદાવાદઃ ભગવાન જગન્નાથની આ વર્ષે 146મી રથયાત્રા પૂર્વે રૂટ ઉપર તમામ વિભાગો પોતાની કામગીરી ચોકસાઈપૂર્વક કરી રહ્યા છે. રથયાત્રા જે રૂટ પરથી પસાર થાય છે એમાં ઘણા વિસ્તારો એકદમ સાંકડા છે. જ્યાં શેરી, મહોલ્લા અને પોળોના એકદમ જૂના ખખડી ગયેલાં જર્જરિત મકાનો આવેલાં છે. હેરિટેજ અમદાવાદની કેટલીક ઇમારતો સુરક્ષિત કરવામાં આવી છે. વર્ષોથી ખંડેર હાલતનાં કેટલાંક મકાનો ઉતારી પણ લેવામાં આવે છે, પરંતુ વર્ષોથી વસવાટ કરતા કેટલાક લોકોનાં મકાનો પર  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ લગાડવામાં આવી છે.

જાહેર ચેતવણી સાથેની નોટિસમાં “આ મકાન ભયજનક છે” આથી તેનો કોઈ વ્યક્તિઓએ ઉપયોગ કરવો નહીં. આ મકાન ઉપર અથવા નીચે અથવા આસપાસ વધારે વ્યક્તિઓ ભેગા થાય તે જોખમકારક છે તથા તકેદારી રાખવા દરેક નાગરિકને ચેતવણી આપવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની આ પ્રકારની નોટિસો છતાં આવાં ભયજનક મકાનોમાં લોકો રહે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે રથયાત્રા આવે ત્યારે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની સાથે માનવ મહેરામણ રથયાત્રાના રૂટ પર જમા થાય છે. લોકો રથયાત્રાનાં દર્શન કરવા ઇમારતની ઉપર અને નીચે ઊભા રહી જાય છે. રથયાત્રાનાં દર્શન માટે આવેલા લોકો સાવધાની વર્તે અને સાવચેત થઈ જાય એ માટે આ વર્ષે શહેર પોલીસની એક ટીમ દ્વારા એક અનોખી કામગીરી કરવામાં આવી. જે  ઇમારતો પર ભયજનક હોવાની નોટિસ AMC દ્વારા મારવામાં આવી છે એ ઇમારતો પર તરત જ નજર પડે એવાં બેનર્સ લગાડવામાં આવ્યાં છે.

ક્યાંક ગાડીમાં તો ક્યાંક શહેરના સાંકડા માર્ગો પર ફરી જર્જરિત ઇમારતો પર સાવધાનીનાં બેનરો લગાડતા પોલીસ જવાનો ચિત્રલેખા. કોમને કહે છે, આ અમારી નૈતિક જવાબદારી છે અને અમે આ કામગીરી સ્વૈચ્છિક રીતે કરી રહ્યા છીએ. લોકોની સેવા કરવી અને સાવધાન રાખવા અમારી ફરજ છે. કોર્પોરેશન અને અન્ય વિભાગની કામગીરી હોવા છતાં પોલીસના જવાનોની ટીમે લોકોની સુરક્ષા માટે સેવાની જવાબદારી સ્વીકારી  અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)