અમદાવાદઃ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. અરબી સમુદ્રમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાતા દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે સવારથી વલસાડ, વાપી, સૂરત સહિતના શહેરોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વાપીમાં 32મીમી જેટલો વરસાદ નોંધાયો છે.
તો આ તરફ અમદાવાદમાં હજી મેઘરાજાની પધરામણી થઈ નથી. વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદનું તાપમાન 40.7 ડિગ્રી રહ્યું અને અમદાવાદ રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. તો અમદાવાદમાં વરસાદને લઈને હવામાન ખાતા દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ શનિવારથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કેટલાક હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતાં. જ્યારે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો હતો.જ્યારે સુરત શહેરમાં હળવા વરસાદી ઝાપટાં સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના પારડી, ઉમરગામ, ધરમપુર, કપરાડા, નવસારી, જલાલપોર, વાંસદા સહિતના વિવિધ વિસ્તારમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે નવસારીમાં 16 મીમી, જલાલપોરમાં 27 મીમી, પારડીમાં 9 મીમી,વાપીમાં 32 મીમી અને કપરાડામાં 23 મીમી વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્ર માટે હાલ રાહત નહીં
ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહેલાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે હાલ રાહતના સમાચાર નથી. હવામાન ખાતાંના જણાવ્યાં પ્રમાણે સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વરસાદ માટે હજુ વધુ 10 દિવસ રાહ જોવી પડશે, હવામાન ખાતાએ આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર્માં 1 જૂલાઇ સુધી ચોમાસું લંબાઇ શકે તેની પ્રબળ શક્યતાઓ દેખાઇ રહી છે. ખેડૂતોને સવાહ આફવામાં આવી છે કે તેઓ આગોતરું વાવેતર ન કરે.