દેશના પૂર્વોત્તરમાં ‘જળપ્રલય’ની સ્થિતિ, 23ના મોત, આસામમાં 4 લાખ લોકો પ્રભાવિત

નવી દિલ્હી- દેશના પૂર્વોત્તર વિસ્તાર તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે. જેના લીધે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદ શરુ થયો છે. હવામાં ભેજને કારણે દિલ્હીવાસીઓને પણ ધૂળવાળા હવામાનથી રાહત મળી છે. બીજી તરફ આસામમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. રાજ્યના 6 જિલ્લાઓમાં 4.5 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. પૂરથી સર્જાયેલા વિનાશને કારણે અત્યાર સુધી 23 લોકો મૃત્યુ પામ્યા છે.અહીં પૂરથી પરિસ્થિતિ સતત બગડી રહી છે. ગઈકાલે પૂરને કારણે પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે.

પૂર્વોત્તરમાં વિનાશકારી પૂરે છેલ્લાં 24 કલાકમાં છ લોકોના જીવ લીધા છે. જેના લીધે મૃતકોની કુલ સંખ્યા 23 થઈ છે. જોકે, આ વિસ્તારમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. તેમ છતાં રવિવારે પૂરને કારણે આસામમાં પાંચથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે મણિપુરમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે.

આસામના છ જીલ્લાઓમાં 4 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર હોજઈ, પશ્ચિમ કરબી આંગલાંગ, ગોલઘાટ, કરીમગંજ અને હેલકાંડીમાં 4.8 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

બ્રહ્મપુત્રા નદી જોરહાટના નિમાતી ઘાટ અને કટારમાં એપી ઘાટમાં ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ઉપરાંત રાજ્યની ધનસીરી અને અન્ય નદીઓ પણ કેટલાક સ્થળો પર જોખમી સપાટી પર વહી રહી છે. મણિપુરની ઈમ્ફાલ ખીણમાં મોટી નદીઓનું જળસ્તર થોડું ઓછું થયું છે. ફક્ત લિલોંગ નદી ભયજનક સપાટીથી થોડી ઉપર વહી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]