મેઘરાજા રાજકોટ ભણી, મન મૂકીને વરસ્યાં, સીએમે એરપોર્ટ પર રોકાઈ જવું પડ્યું..

રાજકોટઃ વડોદરાને ઘમરોળ્યા બાદ મેઘરાજા રાજકોટ ભણી રુખ કરી છે. મેઘસવારી લઈને મેઘરાજા અહીં પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં આજે ભારે વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ રાજકોટમાં બપોરના બે વાગ્યા બાદ એન્ટ્રી કરી હતી અને અત્યાર સુધીમાં કુલ 4થી 5 ઈંચ જેટલો વરસાદ રાજકોટમાં વરસ્યો છે અને આ લખાય છે ત્યાં સુધીમાં વરસાદ હજી પણ પડી જ રહ્યો છે. ભારે વરસાદને લઇને પોતાના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમોમાં ભાગ લેવા આવેલા સીએમ રુપાણીએ એરપોર્ટ પર રોકાઈ જવું પડ્યું હતું. તેઓ વડોદરામાં પૂરની સ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા રાજકોટથી વડોદરા જવાના હતાં.ધોધમાર વરસાદના પગલે તંત્રએ લોકોને જરુરી કામ વગર ઘરની બહાર ન નિકળવા માટે અપીલ કરી છે. રાજકોટના લક્ષ્મીનગર, રિંગરોડ, યાજ્ઞિકરોડ, કાલાવડ રોડ સહિત શહેરના અનેક વિસ્તારમાં રોડ પર પાણી ફરી વળ્યા છે. જેને લઇને શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં ભારે વરસાદ થતા નાળુ પાણીમાં ગરકાવ થયુ છે. પાણી વધારે હોવાના કારણે પોલીસે ગરનાળામાં વાહનો ન ચલાવવાના આદેશ આપ્યા છે. રસ્તા પર પાણી ભરાતા રીંગરોડ રાધે ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઓવરબ્રિજ પર 2 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી. તો BRTS રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો. જોકે યાજ્ઞિક રોડ પર જ્યારે ટ્રાફિક જામ સર્જાયો ત્યારે પોલીસ હાજર હોવા છતા તેમણે ટ્રાફિકને હળવો કરવાની જહેમત ઉઠાવી ન હતી.પાણી ભરાવવાના કારણે નાળા પાસે સ્કૂલ વાન બંધ પડી હતી. સ્કૂલવાન બંધ થતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વાન બંધ થતા વિદ્યાર્થીઓએ ધક્કા માર્યા હતા. સ્થાનિકોની મદદથી વાનને પાણીમાંથી બહાર કઢાઈ હતી. તો આ સાથે જ શહેરમાં કેટલીક જગ્યાએ ઝાડ પડી જવાના બનાવો પણ સામે આવ્યા છે.

રાજકોટમાં છેલ્લા ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે રાજકોટમાં પડેલા ભારે વરસાદના પગલે આજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. આજી નદીએ રામનાથ મહાદેવના દર્શન કર્યા છે, ત્યારે લોકો આ નજારો જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

(તસવીરોઃ જીતુ રાદડીયા)