મેઘ મહેરઃ સૂકાંભઠ્ઠ જળાશયોમાં ભરાયાં નવા નીર, પાણીનો કુલ જથ્થો 26.86 ટકા થયો

અમદાવાદઃ ચોમાસાની ઋતુમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ ૪૬.૧૫ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૮ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૨ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૬.૩૦ ટકા ભરાયું છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.  

રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૧૯,૪૯૪, ઉકાઇમાં ૧,૦૯,૩૮૫,  દમણગંગામાં ૫૦,૨૧૮, કરજણમાં ૧૯,૬૯૦, ધરોઈમાં ૧૧,૩૯૦, ઓઝત-વીઅર(વંથલી)માં ૭,૯૪૧, મેશ્વોમાં ૭,૦૧૦, ઓઝત-વીઅરમાં ૬,૭૩૯, ઓઝત-૨માં ૪,૯૮૮, કડાણા, ગુહાઈ અને વણાકબોરીમાં ૧,૫૦૦-૧,૫૦૦, માઝમમાં ૧,૩૫૦, મોટા ગુજરિયામાં ૧,૨૧૫  અને ખેડવામાં ૧,૦૦૦ ક્યુસેકનો સમાવેશ થાય છે.

ઉતર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૨.૩૫ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૩.૦૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૯.૪૧ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૯.૩૦ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૫.૨૦ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૨૬.૮૬ ટકા એટલે ૧,૪૯,૫૫૫.૪૯ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]