5 કલાકની સર્જરી, બાળકના જડબામાંથી નીકળ્યાં 526 દાંત, ડોક્ટરો પણ હેરાન

ચેન્નાઈ- સામાન્ય રીતે માણસને ૩૨ દાંત હોય છે પરંતુ ૭ વર્ષના છોકરાના મોંઢામાંથી ડૉકટરે ઓપરેશન કરીને 526, હા, બરાબર વાંચ્યું, 526 દાંત કાઢ્યાં છે. દાંતમાં દુઃખાવો થવાનું બાળકે તેના માતાપિતાને જણાવતાં એક પછી એક ૫૨૬ જેટલા જડબામાં દબાયેલા દાંત એકસ રેમાં જોઇને ડોકટરને પણ નવાઇ લાગી હતી. આ ઘટના તામિલનાડુના ચેન્નાઇમાં બની છે. ઓપરેશન કર્યા પછી હવે બાળકના મોંમાં ૨૧ દાત રહ્યાં છે અને પીડા આપતાં વધારાના દાંત નીકળી જતાં રાહત અનુભવી રહ્યો છે.

આ બાળક Compound Composite Ondontome થી પીડિત હતો. બુધવારે હોસ્પિટલના ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જરી વિભાગના પ્રોફેસર સેન્થિલનાથને જણાવ્યું કે, બાળકના જડબામાં સોજો હતો. જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમણે જણાવ્યું કે, ત્રણ વર્ષની ઉંમરથી જ આ બાળકના જડબામાં સોજાની વાત સામે આવી હતી. એ સમયે બાળકને વધારે તકલીફ ન હતી પરંતુ ત્યારબાદ સોજો સતત વધતો ગયો હતો.

વધુમાં ડોક્ટરે જણાવ્યું કે, એક્સ-રે અને સીટી સ્કેન પરથી ખબર પડી કે તેના જડબામાં કેટલાય અવિકસિત દાંત છે. આખરે સર્જરીનો નિર્ણય લેવાયો. જમણા જડબાના અંદરના ભાગમાં દાંત દબાયેલા હોવાને કારણે બાળકને એનેસ્થેસિયા આપીને બેભાન કરવું પડ્યું અને જડબાનો એક ભાગ ખોલવો પડ્યો. જેનું વજન 200 ગ્રામ જેટલું હતું. સર્જરી દરમિયાન તેમાંથી 526 નાના, મધ્યમ અને મોટા કદના દાંત નીકળતા ગયા.

ચેન્નાઇના 7 વર્ષના રવીન્દ્રને દાંતમાં તકલીફ જોઇને માતા પિતાને લાગ્યું કે દાંતમાં સડો થયો છે પરંતુ આટલા બધા દાંત જડબામાં છુપાએલા હશે તેની તો કલ્પના પણ કરી ન હતી. માતા પિતા પોતાના લાડકા દિકરાની સર્જરી માટે તૈયાર થઇ ગયા હતા પરંતુ સાત વર્ષના રવીન્દ્ર ગભરાઇ ગયો હોવાથી તેને મનાવતા બે કલાક લાગ્યા હતા. જડબાની અંદર ફસાયેલા અને બહારથી નહીં દેખાતા નાના મોટા 526 દાંતને બહાર કાઢવા માટે ઓપરેશન 5 કલાક સુધી ચાલ્યું હતું.

ડોકટરના જણાવ્યા મુજબ આવી ઘટના ભાગ્યે જ બને છે. મહત્વનું છે કે 2014માં મુંબઇમાં એક છોકરાના જડબામાંથી ઓપરેશન કરીને 232 દાંત બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ બાળક સર્જરી પછી એકદમ સ્વસ્થ છે. આ વિશ્વની પહેલી સર્જરી હશે જેમાં એક બાળકના જડબામાંથી 526 દાંત બહાર કાઢ્યા હોય.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]