મહીસાગર બે કાંઠે, નર્મદાના નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવાયાં, કોઝવે બંધ…

અમદાવાદઃ રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૪૭ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં ૯૩ મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો અને કવાંટમાં ૮૯ મી.મી., મોરવા હડફમાં ૭૯ મી.મી., ગોધરામાં ૭૮ મી.મી., દાહોદમાં ૭૭ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં ખાનપુર તાલુકામાં ૭૨ મી.મી, ઉમરપાડામાં ૭૦ મી.મી., ડભોઇમાં ૫૭ મી.મી., બોડેલીમાં ૫૪ મી.મી. અને ભીલોડામાં ૫૨ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ૩૮ તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૦.૯૨ ટકા જેટલો નોંધાયો છે.

તાજેતરના આંકડાઓ અનુસાર ૨૦૪ જળાશયોમાં હાલ ૩,૯૭,૮૧૭.૪૬ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે એટલે કે ૭૧.૯૪ ટકા જેટલો જળસંગ્રહ તમામ જળાશયોમાં થઇ ગયો છે. સરદાર સરોવર જળાશયમાં હાલ ૨,૮૧,૨૪૧.૬૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૮૪.૧૮ ટકા છે. રાજ્યના ૩૦ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે. ૫૬ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકાની વચ્ચે, ૨૩ જળાશયો ૫૦ થી ૭૦ ટકાની વચ્ચે અને ૫૮ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.

વડોદરાના વાઘોડિયા તાલુકામાં છેલ્લાં 24 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વ્યારા પાસે આવેલ કોઝવે પર ભયજનક સપાટીએ દેવ નદીનું પાણી વહી રહ્યું છે. આવામાં અજાણ્યા અલ્ટો ચાલક કોઝવે પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે દેવ નદીમા તણાયો હતો. અલટો ચાલકે મદદ માટે બૂમો પાડતા સ્થાનિકોની નજર ગઈ હતી. પરંતુ કોઈ મદદ પહોંચે તે પહેલાં જ અલ્ટો કાર ચાલક વ્યક્તિ સાથે દેવ નદીમાં તણાઈ હતી. ત્યારે સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરી હતી. વાઘોડિયા પોલીસ અને મામલતદારે સ્થળ પર પહોંચીને કાર ચાલકને શોધવાની કામગીરી શરૂ કરી છે. કાર ચાલકને શોધવા NDRFની ટીમની પણ મદદ લેવાઈ છે. 

ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી ૨૫.૫૦ ફૂટે પહોંચી ગઈ છે. સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીની આવકના પગલે સપાટીમાં વધારો થયો છે. ભયજનક સપાટી પાર થતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તો સાથે જ પાણીનું લેવલ વધતા નીચાણવાળા વિસ્તારોમાં ડર ભરાઈ ગયો છે.

ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટીએ ભયજનક લેવલ પાર કરી લીધું છે. નદીનું લેવલ ૨૫.૫૦ ફૂટે પહોંચી જતા તંત્ર એલર્ટ થયું છે. ત્યારે તંત્ર દ્વારા ભરૂચ ગોલ્ડન બ્રિજ નીચે આવેલ આવેલ ઝૂપડપટ્ટીના રહીશોને સલામત સ્થળે ખસેડાયા છે. અસરગ્રસ્તોની જમવાની વ્યવસ્થા પાલિકા દ્વારા નજીકના ગુરુદ્વારામાં કરવામાં આવી છે તેવુ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલાએ જણાવ્યું હતું. 

નસવાડીના ગઢબોરીયાદ પાસે વહેતા નાળાનું આ દ્રશ્ય છે. જેમાં ભારે વરસાદને પગલે નાળુ ઓવરફ્લો થયું હતું અને પાણીનો ધસમસતો પ્રવાહ વહેલા લાગ્યો હતો. ત્યારે નાળા પરથી પસાર થઈ રહેલી શિક્ષકોની કાર પાણીના વેગીલા પ્રવાહમાં ફસાઈ હતી. આ શિક્ષકો કાંધા પ્રાથમિક શાળાના હતા. કારમાં શાળાના બે શિક્ષકો સવાર હતા. નાળા ઉપરથી વહી રહેલા ધસમસતા પાણીના પ્રવાહમાં કાર ખેંચાઈ ગઈ હતી. જોકે, બંને શિક્ષકોનો આબાદ બચાવ થયો હતો.

છોટાઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી કવાંટમાં ચાર કલાકમાં 4.5  ઇંચ વરસાદ, પાવીજેતપુરમાં 4 ઈંચ વરસાદ અને છોટાઉદેપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. 

સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે સવારથી છોટાઉદેપુરના કવાંટ અને પાવીજેતપુરમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો પંચમહાલના હાલોલમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. 3 ઈંચ વરસાદથી છોટાઉદેપુર સિટી પાણી પાણી થઈ ગયું છે. છોટાઉદેપુર, કવાંટમાં ભારે વરસાદને કારણે ઓરસંગ, કરા, હેરણ, ધામણી, અશ્વિન, ઉચ્છ સહિતની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો કવાંટનો રામી ડેમ 0.75 સેમીથી ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને પગલે સુખી ડેમની સપાટી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. ભારે વરસાદને પગલે છોટાઉદેપુર, કવાંટ, પાવીજેતપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

ભાવનગરના વલ્લભીપુરના રતનપુર ખાતે નદીમાં ન્હાવા પડેલાં 10 લોકો તણાઈ ગયા હતા. જેમાં પાંચ લોકોનાં મોત નિપજ્યા હતા. તો ડૂબી રહેલાં અન્ય પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મૃતકોમાં આધેડ, એક યુવક, બે યુવતી અને 13 વર્ષનાં એક બાળકનું મોત નિપજ્યું છે.

કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાલ કડાણા ડેમમાં પાણીની આવક 2,57,654 ક્યુસેક નોંધાઈ છે. જેને કારણે ડેમની સપાટી 413.3 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં પાણીની આવકને કારણે ડેમના તમામ ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમના 9 ગેટ 10 ફૂટ અને સાત ગેટ 8 ફૂટ ખોલી 2,55,131 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તો બીજી તરફ, કડાણા ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદી ગાંડીતૂર બની છે. 257000 ક્યુસેક પાણી છોડતા મહી નદી બે કાંઠે વહી રહી છે. જોકે, કડાણા ડેમમાંથી હજી પાણી છોડાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.મહીસાગર બંને કાંઠે વહેતી થતા જિલ્લાના મુખ્ય માર્ગોના ત્રણ પુલ પાણીમાં ગરકાવ થયા છે. અમદાવાદ લુણાવાડાને જોડતો હાડોડ પુલ, ઘોડિયાર અને તાંતરોલી પુલ પાણીમાં ગરકાવ થયો છે. મુખ્ય માર્ગોના પુલો પાણીમાં ગરકાવ થતા જિલ્લાવાસીઓને હાલાકી પડી રહી છે. તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ પર રાખી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મહીસાગરમાં પાણીને પગલે ગળતેશ્વર બ્રિજ પણ બંધ કરાયો છે. ગળતેશ્વર બ્રિજ વડોદરા અને મહીસાગર જિલ્લાને જોડે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આ બ્રિજ બંધ કરાયો છે.

વડોદરાના આજવા સરોવરની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આજવા સરોવરની સપાટી 212.10 ફૂટે પહોંચી છે. આજવા સરોવર ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક શરુ થઈ હતી. વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે પાલિકા તંત્રએ નીંચાણવાળા વિસ્તારોના રહીશોને સતર્ક રહેવા જણાવ્યું છે.