નદીમાં નહાવા પડેલાં 10 જણ ડૂબ્યાં, 5નાં મોત, 5ને બચાવાયાં…

ભાવનગરઃ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં અત્યારે મેઘમહેર છે ત્યારે ભાવનગર જિલ્લાના વલભીપુરથી એક માઠાં સમાચાર સામે આવ્યાં છે. વલભીપુરના જૂના રતનપર ગામના દેવીપૂજક સમાજના 5 લોકો પાણીમાં ડૂબી જતાં તેમના મોત થયાં છે. આ લોકો ચાડા ગામની કેરી નદીમાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન નદીમાં રહેલા ખાડામાં એક વ્યક્તિ ડૂબવા લાગી હતી. જેને બચાવવા અન્ય લોકો પાણીમાં ઊતર્યાં અને આમ પાંચેય લોકોના મોત થયાં છે. આ સિવાય અન્ય 5 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

વલભીપુર તાલુકાના જtના રતનપર ગામમાં નદીમાં ન્હાવા પડેલા 10 વ્યક્તિ ડૂબી ગયાં હતાં. જેમાંથી એક જ પરિવારના 5 લોકોનાં મોત થયાં છે. જ્યારે 5 લોકોને સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવામાં આવ્યા છે. રતનપર ગામનાં દેવીપૂજક સમાજના ખેતમજૂરો બપોરે ભોજન લીધા બાદ ચાડા ગામેથી પસાર થતી કેરી નદીના ખાડામાં ભરાયેલા ખાડામાં નાહવા પડ્યાં હતાં. જેમાંથી તમામ ડૂબવાં લાગતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી 5ને બચાવી લેવામાં આવ્યાં હતાં. જ્યારે પાંચ લોકોનાં મોત થયાં હતા. મૃતકોમાં 3 પુરૂષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે. હાલ પાંચેયના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનાની જાણ 108ની ટીમને થતાં તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતાં અને તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન 108ની ટીમે 4 વ્યક્તિને મૃત જાહેર કર્યાં હતાં. જ્યારે ભાવનાબેન સોલંકી નામની યુવતીનો શ્વાસ ચાલુ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.