ભેળસેળ પકડવા વધુ ઝડપથી દોડશે અધિકારીઓ, પોલીસને પણ અપાયાં બાઈક PCR

ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે ૧૦૦ ટુ વ્હીલર અને ૧૧ ફોર વ્હીલરને લીલી ઝંડી આપી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં ખાદ્યપદાર્થોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને નાસ્તાનું ઉત્પાદન પેકીંગ કરીને દેશવિદેશમાં નિકાસ થાય છે. પ્રવાસન પ્રવૃત્તિઓના વિકાસને પરિણામે પણ શહેરો-નગરોમાં રેસ્ટોરન્ટ, હોટલો તથા ઉત્પાદિત એકમોનું પ્રમાણ વધ્યુ છે ત્યારે આ તમામ જગ્યાઓનું સઘન ચેકીંગ કરીને નાગરિકોને ગુણવત્તાયુક્ત સામગ્રી મળી રહે અને ભેળસેળ યન થાય તે માટે આ વાહનોની ફાળવણી કરાઇ છે.

નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ખાદ્ય સામગ્રી-દવાઓ ગુણવત્તાલક્ષી પૂરી પાડવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ-ખાદ્યસામગ્રીમાં ભેળસેળ રોકવા માટેની ચકાસણી ઝૂંબેશને આગામી સમયમાં રાજ્યભરમાં વધુ સઘન બનાવશે.

તેમણે ઉમેર્યું કે, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાનુસાર નગરો-શહેરોમાં સઘન ચકાસણી કરીને હજારો સેમ્પલ પૃથ્થકરણ માટે મોકલવામાં આવી રહ્યા છે. આ ઝૂંબેશને વધુ સઘન-ઝડપી બનાવવા માટે વાહનો મહત્વનું પરિબળ બની રહેશે. જે ટુ વ્હીલરની ફાળવણી કરી છે તે ડ્રગ અધિકારીઓને શહેરોમાં હોટલોની ચકાસણી, દવાની દુકાનોની ચકાસણી સહિત ખાદ્યસામગ્રી વેચતા વેપારીઓની ચકાસણી માટે ઝડપથી પહોંચવામાં મદદરૂપ બનશે અને કામગીરી વધુ વેગવાન બનશે.નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યું કે ગુણવત્તાયુકત દવાના ઉત્પાદનમાં ગુજરાતે વર્ષોથી પ્રથમ સ્થાન જાળવી રાખીને દેશનું ફાર્મા કેપિટલ બન્યું છે. ભારતના ફાર્મા ક્ષેત્રના કુલ ૩૩ ટક હિસ્સો ગુજરાત ધરાવે છે તે પૈકી ફાર્મા ક્ષેત્રના દેશના કુલ નિકાસના ૨૫ ટકા હિસ્સો પણ ગુજરાત ધરાવે છે ત્યારે આ વ્યવસ્થા વધુ સઘન બને અને ગુડ ગવર્નન્સ થકી તમામ પ્રક્રિયાઓ વધુ સરળ ઝડપી ઓન લાઇન થાય તે માટે રાજ્યના ડ્રગ ઇન્સ્પકટરોને ૯૦ જેટલા લેપટોપ પણ ફાળવવામાં આવ્યા છે. જેના લીધે તમામ કામગીરી ચોક્કસ વેગવાન થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

તો ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ ગુજરાત પોલીસ દળને અદ્યતન સુવિધા સજ્જ પ૦ મોટરબાઇક ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા. તેમણે હિરો હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર્સ ઇન્ડીયા દ્વારા ગુજરાત પોલીસને CSR એકટીવીટી તહેત અપાયેલા આ બાઇક પોલીસ દળની કાર્યદક્ષતા વધારનારા બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યપ્રધાને સાયરન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ફલેશ લાઇટ અને હાઇ કવોલિટી સેફટી હેલ્મેટથી સજ્જ આ પ૦ બાઇકને પ્રસ્થાન સંકેત આપી રાજ્યના નાગરિકોની સેવા માટે પોલીસ દળને અર્પણ કર્યા હતા.

મુખ્યપ્રધાન રૂપાણીએ આ બાઇકર્સ હાલની PCR વાન સમકક્ષ ટુવ્હીલર છે તેમ જણાવતા ઉમેર્યુ કે, રાજ્યમાં માર્ગ અકસ્માત કે અન્ય કોઇ વિપદા સમયે જ્યાં PCR વાન પહોચી શકે તેમ ન હોય ત્યાં આવી બાઇકસથી ત્વરાએ પહોચીને સારવાર – સુરક્ષા સલામતિ પ્રબંધન ઝડપી થઇ શકશે.