રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી સમયમાં ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરી છે.  રાજ્યમાં હજી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી છે. હજી વધુ બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહવાની શક્યતા છે.

અમદાવાદમાં બપોર બાદ ફરી એક વાર વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. શહેરના એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે.

વડોદરાના પણ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.  ગઈકાલે સાંજ બાદ આજે ફરી વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરના સયાજીગંજ, રાવપુરા, કમાટીબાગ અને અલકાપુરીમાં વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે હજુ પાંચેક દિવસ વરસાદની આગાહી કરી છે.

મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને દીવમાં ભારે પવન સાથે વરસાદ પડશે. વિભાગે રાજ્યમાં 40થી 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં 4.5 ઇંચ ખાબક્યો છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]