સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ, અમદાવાદ: ભારતનું પહેલું બુલેટ ટ્રેન ટર્મિનલ

નવી દિલ્હીઃ ભારતની પહેલી બુલેટ ટ્રેન યોજનાના ટર્મિનલનું બાંધકામ અમદાવાદમાં જોરશોરથી ચાલી રહ્યું છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. દેશનું પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ અમદાવાદમાં સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે બનાવવામાં આવી રહ્યું છે. આ ટર્મિનલ અત્યાધુનિક આર્કિટેક્ચર ટેક્નોલોજીની કેવી કમાલવાળું હશે એની એક ઝલક વૈષ્ણવે શેર કરેલી ટૂંકી વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે. ટર્મિનલ ખાતે જે સુવિધા હશે તેને કારણે મોંઘેરા પ્રવાસીઓને અત્યંત આરામ અને પ્રવાસનો આનંદ પ્રાપ્ત થશે એમાં કોઈ બેમત નથી.

દેશની પ્રથમ બુલેટ ટ્રેન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક સપનું રહ્યું છે. આ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડાવાશે. આ પ્રોજેક્ટ માટે આર્થિક તેમજ ટેકનિકલ મદદ માટે ભારત સરકારે જાપાનની સરકાર સાથે કરાર કર્યો છે.

આ વીડિયોએ નાગરિકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ પોસ્ટને લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળ્યા છે. અનેક યૂઝરે આ સૂચિત ટર્મિનલને ભવ્ય અને સુંદર કહી પ્રશંસા કરી છે.

બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો 2026ના ઓગસ્ટમાં પૂરો થવાની ધારણા છે. તે 50 કિ.મી.નો હશે અને ગુજરાતમાં સુરત અને બિલીમોરા વચ્ચે હશે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 2017ના સપ્ટેમ્બરમાં અમદાવાદમાં કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1.08 લાખ કરોડ છે. આ યોજના માટે કેન્દ્ર સરકાર રૂ. 10,000 કરોડ પૂરા પાડશે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રનું યોગદાન રૂ. 5,000 કરોડ પૈકી રહેશે. બાકીના ભંડોળ માટે જાપાન પાસેથી 0.1 ટકાના વ્યાજના દરે લોન મળશે.